Spread the love

અમદાવાદ, 28 જુલાઈ, ગુજરાતના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર કોશા રાવલ દ્વારા એમની વાર્તા ‘રિયુનિયન’નું પઠન કરવામાં આવ્યું.
જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સાંજે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર કોશા રાવલ દ્વારા એમની વાર્તા  ‘રિયુનિયન’નું પઠન કરવામાં આવ્યું હતું.
વાર્તાની શરૂઆત આ રીતે થાય છે: “ઘરકૂકડી ન જોઈ હોય તો મોટી! બહાને બાજ. આ વખતે એકે’ બા’નુ કાઢ્યું છે ને તો વાત છે તારી. ઝટ ટિકિટ કઢાવ અને આવી જા મારા ઘરે. ત્યાંથી આપણે જોડે ’84ના રિયુનિયન’માં જઈશું.”

રિચા એ પછી દિલ્હીથી પતિ અમિતની રજા લઈને બીનાના ઘરે વડોદરા પહોંચી જાય છે. 84માં 10મું પૂરું થયા પછી બધા છૂટા પડી ગયા હતા. એ સૌ મિત્રોનો એક મેળાવડો વડોદરાથી દૂરના એક રિસોર્ટમાં યોજવામાં આવ્યો હતો. આજે બીના અને રિચા પોતાની જૂની યાદોને ખજાનો ખુલ્લી મૂકી દે છે. શાળા સમયના એ તોફાનો, મજાક મસ્તી અને એ સાથે બીજું  ઘણું બધું.
શાળા સમયના મિત્રો સમીર અને દીપેન રિયુનિયન નિમિત્તે એક દિવસીય પિકનિક નું આયોજન કરે છે. બધા મિત્રો બસ દ્વારા એ રિસોર્ટ પર જાય છે. એકબીજાને મળે છે. જુના દિવસો યાદ કરે છે.  ચાર દાયકા પહેલાના સમયને યાદ કરીને ફરીથી એકવાર એ સમયને જીવવાની મથામણ કરે છે.
અત્યારે કોઈ વિદેશથી આવ્યુ છે. કોઈ બીજા રાજ્યમાંથી પધાર્યું છે. મોટાભાગના તો વડોદરા આસપાસ જ હતા. કેટલાક પોતાના સુખ દુઃખની વાતો કરે છે. પોતાના પરિવારની વાતો થાય છે. શું શું ક્યાં ક્યાં કેવી રીતે સમય પસાર થયો એમની વાતો કરતાં કરતાં કેમ આંખો દિવસ વિતી જાય છે એની ખબર જ પડતી નથી.
આ બધામાં રિચાની આ‌ંખો પોતાને ખૂબ ગમતો હતો એ પ્રિતેશને શોધે છે. ત્યાં રીમલેસ ચશ્મા અને ડાઈ કરેલા વાળ વાળો પ્રિતેશ મળી જાય છે. એનો અવાજ હજુ પણ એવો જ ઓળખી જવાય એવો છે. બંને મળે છે. જૂની યાદો તાજી કરે છે. પણ રિચા પ્રિતેશની આંખમાં જે ચમક જોવા માગતી હતી એ તો ન જ મળી! પોતપોતાના વહી ગયેલાં વર્ષોમાં દીકરા દીકરીઓ વગેરે વિશેની વાત થાય છે. કોઈ ઓળખીતાઓ એકબીજાને મળતા હોય એમ મળવાનું બને છે. સાંજ ઢળતાં ફરી પાછા બધા બસમાં વડોદરા પરત થવા માટે નીકળી જાય છે.
પરત ફરતાં રિચા જુઓ છે તો આગળની સીટ પર બેઠેલો પ્રિતેશ કોઈ ફાલતું રિલ્સ જોવામાં વ્યસ્ત બની જાય છે. રિચાને એ વખતે એમણે આપેલું વિઝિટિંગ કાર્ડ હાથમાં ખૂંચે છે. વાર્તા અહીં પૂરી થાય છે.
આ કાર્યશાળામાં પ્રફુલ્લભાઈ રાવલ, કિરીટભાઈ દૂધાત, કેશુભાઈ દેસાઈની  વિશેષ ઉપસ્થિતમાં રાઘવજી માધડ, લતા હિરાણી, ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, નિર્મળા મેકવાન, સંતોષ કરોડે, મુકુલ દવે, યતીન કંસારા, જાહિદ દોઢિયા, રાધિકા પટેલ, પ્રિયંકા જોશી, પૂર્વી શાહ, હાર્દિક પટેલ, અશોક નાયક, રાકેશ પટેલ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન ચેતન શુક્લએ કર્યું હતું.