Spread the love

અમદાવાદ, 29 જુલાઈ, પોસ્ટલ સ્ટાફમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના અમદાવાદ શહેર વિભાગના પોસ્ટ વિભાગ દ્વારા ‘પોસ્ટલ પ્રીમિયર લીગ – 2024’નું આયોજન કરવામાં આવ્યું.
પોસ્ટલ વિભાગ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે શ્રી કૃષ્ણ કુમાર યાદવ, પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ હેડ ક્વાર્ટર રિજિયન દ્વારા V9 ક્રિકેટ ગ્રાઉન્ડ, સાયન્સ સિટી સર્કલ,અમદાવાદ ખાતે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમદાવાદ સિટી ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વિકાસ પાલવેએ તમામ ક્રિકેટ ખેલાડીઓને ખેલો ઈન્ડિયાના શપથ લેવડાવ્યા અને તમામ ક્રિકેટ ટીમનો મુખ્ય મહેમાન સમક્ષ પરિચય કરાવ્યો.
પોસ્ટ માસ્ટર જનરલ શ્રી યાદવે કહ્યું કે ક્રિકેટ એ ટીમ ભાવના , પરસ્પર સહયોગ, અનુશાસન અને અંત સુધી લડવાનું પ્રતીક છે. આવી સ્પર્ધાઓ કર્મચારીઓના મનોબળને વેગ આપે છે, તેમને સ્વસ્થ રહેવા અને તેમનું સામાજિક કૌશલ્ય બનાવવા માટે પ્રેરિત કરે છે. તેમણે અમદાવાદ સિટી ડિવિઝન દ્વારા પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ખુશી પણ વ્યક્ત કરી.
ટુર્નામેન્ટમાં 2 મહિલા ક્રિકેટ ટીમો સહિત અમદાવાદ સિટી પોસ્ટલ વિભાગ હેઠળની કુલ 10 ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે.  ટુર્નામેન્ટના પ્રથમ દિવસે 08-08 ઓવરની સાત મેચ રમાઈ છે. ઓઢવ ઓલિમ્પિયન્સ અને ડ્રેગન ઈલેવન એ પ્રથમ દિવસે બે મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જ્યારે નૉર્થન સ્ટાર, વેસ્ટ ગ્લેડીયેટર અને નવરંગપુરા નાઈટ રાઈડર્સે બે મેચમાંથી એક મેચ જીતી છે.
ટુર્નામેન્ટની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ 04 આેગસ્ટ ના રોજ રમાશે.