Spread the love

ગાંધીનગર, 30 જુલાઈ, માહિતી આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર અમૃતભાઈ પટેલ અને રાજ્ય માહિતી કમિશનર આર. જે. કારીઆનો વિદાય સમારોહ યોજાયો
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે શ્રી અમૃતભાઈ પટેલ તેમજ શ્રી આર. જે. કારીઆનો કાર્યકાળ પૂર્ણ થતાં માહિતી આયોગ દ્વારા NFSU, ગાંધીનગર ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં સમગ્ર માહિતી આયોગ દ્વારા તેઓને વિદાય આપવામાં આવી હતી.

આ ઉપરાંત સમારોહ દરમિયાન નવનિયુક્ત મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોની તેમજ ત્રણ રાજ્ય માહિતી કમિશનર સુબ્રમનીયમ આર. ઐયર, મનોજ વી. પટેલ અને નીખીલ ભટ્ટને પુષ્પગુચ્છ આપી માહિતી આયોગ પરિવારમાં આવકારમાં આવ્યા હતા. સાથે જ વિદાય થતા મુખ્ય માહિતી કમિશનર તથા રાજ્ય માહિતી કમિશનરને શ્રીફળ, શાલ અને સાકર પડો આપીને વિદાયમાન આપવામાં આવ્યુ હતું.
આ સમારોહના પ્રારંભે માહિતી આયોગના સચિવ જયદીપ દ્વિવેદીએ શાબ્દિક સ્વાગત કરતા સૌને આવકાર્યા હતા.

વિવિધ મહાનુભવો દ્વારા આ પ્રસંગે મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃતભાઇ પટેલ તેમજ રાજ્ય માહિતી કમિશનર શ્રી આર. જે. કારીઆની સુદીર્ધ સેવાઓ દરમિયાન હકારાત્મક અને સંવેદનશીલ અભિગમ તેમજ અજોડ વહીવટી કુનેહને બિરદાવવામાં આવી હતી. આ સાથે જ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા તથા સમર્પણ ભાવનાની પણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નોંધ લેવામાં આવી હતી.
પોતાનો કાર્યકાળ પૂર્ણ થતા મુખ્ય માહિતી કમિશનર તેમજ રાજ્ય માહિતી કમિશનર દ્વારા તેમની સરકારી સેવા દરમિયાનના સંસ્મરણો અને અનુભવો રજૂ કર્યા હતા, સાથે જ તેઓએ સન્માન માટે સૌનો આભાર પણ માન્યો હતો.
આ સમારોહમાં પૂર્વ મુખ્ય માહિતી કમિશનર બલવંતસિંહ, વી. એસ. ગઢવી અને દીલીપ ઠાકર તેમજ પૂર્વ રાજ્ય માહિતી કમિશનર કે. એમ. અધ્વર્યું અને વી. પી. પંડ્યા ઉપરાંત સામન્ય વહીવટ વિભાગના અધિક સચિવ સહિત માહિતી આયોગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના અંતે માહિતી આયોગના રજીસ્ટ્રાર પ્રકાશ મોદી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.