Spread the love

અમદાવાદ, 29 જુલાઈ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લોકનૃત્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
જીટીયુ તરફ થી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ કાર્યક્રમોનાં ભાગ રૂપે તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી,વેરાવળનાં કેમ્પસમાં એક “લોકનૃત્ય તાલીમ શિબિર”નું આયોજન કુલપતિ ડો રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો.કે.એન.ખેર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ શિબિરનો પૂર્ણાહુતિ સમારંભ શ્રી.સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ,કુલસચિવ પ્રા.ડો.લલિત પટેલ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલસચિવ ડો.કે.એન.ખેરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ શિબિરમાં જોડાયેલા જુદીજુદી ૩૦ કોલેજના ૪૧ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના લોકનૃત્યોની તાલીમ આપવામાં આવી હતી જેમાં ગરબો, દાંડીયારાસ, ટીપણી,ગિરનારી રાસ ફિનાલેનુ આયોજન વગેરેનો સમાવેશ થતો હતો.તજજ્ઞો દ્વારા શીખવવામાં આવેલ આ તમામ નૃત્યના નિર્દેશનનો કાર્યક્રમ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સમક્ષ પ્રસ્તુત કરાયો હતો.આ શિબિરમાં તજજ્ઞ તરીકે ભાવિન પટેલ(ગાંધીનગર), કુશળ દીક્ષિત(ભાવનગર), હેમાંગ વ્યાસ(સુરત) ચંદ્રસિંહ ગોહિલ (ભાવનગર),રીંકલ વેકરીયા ઓમ વ્યાસ,આરોહી વ્યાસ(તમામ સુરત), અક્ષય મકવાણા, પાર્થ પંડ્યા(ભાવનગર)ની સેવાઓ પ્રાપ્ત થઈ હતી.
પૂર્ણાહુતિ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલસચિવ ડો.કે.એન.ખેર ના વરદ્ હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.સમગ્ર શિબિરનું સંચાલન યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સલાહકાર મનોજ મ.શુકલ,શ્રીમતી ચિલકા જૈન અને રમતગમત અધિકારી ડો.આકાશ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.