Spread the love

અમદાવાદ, 03 ઓગસ્ટ, ગુજરાત ના ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં ૪૧૫ માતાઓએ ૪૪૯ બાળકોને નવજીવન આપ્યું છે.
ઋચા રાવલે આજે જણાવ્યું કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ…એથી મીઠી તે મોરી માત રે…જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ…કવિ બોટાદકર રચિત ઉપરોક્ત પંક્તિ ‘માતા’ની મહાનતા દર્શાવે છે. બાળકને મન ‘મા’ સર્વસ્વ હોય છે. બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને બીજી માતા પરોક્ષ માતા તરીકે અમૃતરૂપી દૂધ આપી શકે તેવી રાજ્ય સરકારની વ્યવસ્થા એટલે ‘હ્યુમન મિલ્ક બેંક’ (માનવ દૂધ બેંક). અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં પણ હ્યુમન મિલ્ક બેંક બનશે.
રાજ્યના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. આ બેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક બેંક તરીકે ઓળખાતી આ માતૃબેંકમાં અનેક માતાઓ પોતાના મહામૂલા ધાવણનું દાન કરી નવજાત બાળકો માટે સાચા અર્થમાં યશોદા બની રહી છે.
રાજ્યમાં કાર્યરત ‘હ્યુમન મિલ્ક બેંક’ માં અત્યાર સુધીમાં ૧૫,૮૨૦ માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું દાન કરાયું છે. જેનો અંદાજે ૧૨,૪૦૩ બાળકોને લાભ અપાયો છે. રાજ્યની રાજધાની ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૨૧ થી આવી જ એક હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ બેંકમાં અત્યાર સુધી કુલ ૪૧૫ માતાઓએ પોતાના અમૃતરૂપ દૂધનું દાન કર્યું છે. આ દૂધથી ૪૪૯ બાળકોને નવજીવન મળ્યું છે. આ બેંકમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૦૨૦ લીટર દૂધ એકત્ર કરાયું છે.
ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૧૩ લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી આશરે ૧.૩ લાખ પ્રિટર્મ હોય છે અને ૧૮.૫% ઓછા વજનવાળા હોય છે. આ તમામ બાળકો અસ્તિત્વ-જ્ઞાનાત્મક વિકાસની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે. સામાન્ય રીતે તેમની તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓ માતાનું દૂધ સીધું ગ્રહણ કરી શકતા નથી. આવા બાળકો માટે આ અન્ય માતાઓ દ્વારા આપવામાં આવેલું દૂધ અમૃત સમાન બને છે.
આ અભિગમથી ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ NHM અંતર્ગત રાજ્યના ચાર શહેર સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૩-૨૪માં અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં નવી ચાર હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક શરૂ કરવાની મંજૂરી મળી છે.
રાજ્યની અનેક માતાઓ બાળકોની અમૃતદાતા બની છે તો ચાલો જાણીએ આ પહેલ વિશે: માતાઓના તમામ તબીબી રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમનું દૂધ લેવામાં આવે છે. સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીંગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દૂધ લેવામાં આવે છે. માતાનું દૂધ લેવા માટે ઈલેક્ટ્રીક બ્રેસ્ટ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી યોગ્ય માત્રામાં અને જરૂર પૂરતું જ માતાનું દૂધ લઇ શકાય અને તેનાથી માતાને કોઈ શારીરિક નૂકસાન કે દર્દ થતું નથી.
માતાના દૂધને ડીપ-ફ્રિજમાં -૧૮ થી -૨૦ ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરી છ મહિના સુધી સાચવી શકાય: આ ડોનેટ કરેલા દૂધને પેશ્યરાઈઝ્ડ કરી તેનું રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટમાં રીપોર્ટ માટે મોકલાય છે. દૂધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં -૧૮થી -૨૦ ડિગ્રી તાપમાને સ્ટોર કરાય છે. સામાન્ય રીતે ૧૨૫ MLની એક બોટલમાં ત્રણ માતાઓના દૂધને મિશ્ર કરાય છે. આ સંગ્રહિત અમૃત છ માસ ચાલે છે. આ બેંકમાં અધૂરા માસે જન્મેલા બાળકો જેમનું વજન ૧ કિલો ૮૦૦ ગ્રામથી ઓછું હોય, બાળક કોઈ બીમારીના કારણે ICU માં ભરતી હોય અને તેમની માતા હોસ્પિટલ પહોંચી શક્યા ના હોય તેવા બાળકોને આ દૂધ આપવા માટે પ્રાધાન્ય અપાય છે. આ પરિસ્થિતિમાં બાળકો માટે હ્યુમન મિલ્ક બેંક પ્રાણરક્ષક સાબિત થાય છે.
દૂધના દાનથી ધાત્રી માતાના શરીરને કોઈ નુકસાન નથી: દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય: ઘણી માતાઓને પોતાનું બાળક ધરાઈ જાય તો પણ વધે એટલું ધાવણ આવતું હોય છે. મમતા જેવા દૂધની સરવાણી વહેતી હોય એવી માતાઓ પોતાના બાળકને પૂરતું ધાવણ આપ્યાં પછી વધારાના ધાવણનું જે બાળકો કોઈપણ કારણસર માતાના દૂધથી વંચિત છે તેમના માટે દાન કરી શકે છે, એટલે કે આ બેંકમાં જમા કરાવી શકે છે. રકતદાનની જેમ જ દૂધની દાતા માતાના શરીરને તેનાથી કોઈ જ નુકશાન થતું નથી. માતાના દૂધનું દાન રક્તદાન જેટલું જ અમૂલ્ય છે.
વિશ્વભરના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ-કાળજી માટે માટે દર વર્ષે ૧ થી ૭ ઑગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ સપ્તાહ ઉજવણીનો આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને ૬ માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો છે જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઇ શકે અને બાળકનું જીવન બચાવવાની સાથે અમૂલ્ય એવું સ્વસ્થ જીવન ભેટ કરી શકાય.