Spread the love

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં નવ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
પ્રિન્સ ચાવલાએ આજે જણાવ્યું કે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત – સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ – આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ – છ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત વઘઈ અને પારડી તાલુકામાં પાંચ – પાંચ ઇંચ, જ્યારે વાપી, સુબીર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર –ચાર ઇંચ, તથા ઉમરગામ, તિલકવાડા, અને ગણદેવી મળીને કુલ ત્રણ તાલુકામાં બે –બે ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૫ ઓગસ્ટ, ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૭ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૮૬ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં ૮૧ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૭ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં ૫૦ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૮ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.