~Gujarat’s JICA-supported plastic waste management initiative at Nal Sarovar combines environmental conservation, recycling and livelihood opportunities for local communities.
Ahmedabad, Gujarat, Sep 30 (VNI): યાયાવર પક્ષીઓના સ્વર્ગ સમાન નળસરોવરને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે ગુજરાત સરકારે JICAના સહયોગથી અનોખી પહેલ હાથ ધરી છે. કચરાના વ્યવસ્થાપન સાથે સ્થાનિક પરિવારોને આવકનું સાધન મળે તે રીતે અમલમાં મૂકાયેલો આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ નળસરોવરના પર્યાવરણ સંરક્ષણ સાથે લોકભાગીદારી અને આજીવિકાને પણ જોડે છે.
આ પહેલ અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાયલા ગામે અત્યાધુનિક પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે. આ કેન્દ્ર સાથે બે જિલ્લાનાં સાત ગામો જોડાઈ ચૂક્યાં છે. ઈકો-ડેવલપમેન્ટ કમિટીના સ્વચ્છતા પ્રહરીઓ ઘરે-ઘરે જઈને સૂકા પ્લાસ્ટિકના યોગ્ય વર્ગીકરણ અંગે ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.
EDC સભ્ય કમરુદ્દીનભાઈ સમાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ નળસરોવરની જૈવવિવિધતાના જતનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ગામોમાંથી એકત્ર થતું પ્લાસ્ટિક વન વિભાગ દ્વારા નિયત ભાવે ખરીદવામાં આવે છે, જેના કારણે સ્થાનિક પશુપાલકો અને શ્રમિકોને નિયમિત આવકનો સ્ત્રોત મળી રહ્યો છે.
ગ્રામજનો કાદરભાઈ સિંદાણી અને રફીકભાઈ સમાએ જણાવ્યું કે અગાઉ ખુલ્લામાં સળગીને વાતાવરણને પ્રદૂષિત કરતો પ્લાસ્ટિક કચરો હવે કાયલા પ્રોસેસિંગ સેન્ટર સુધી પહોંચે છે. અહીં શ્રેડિંગ સહિતની આધુનિક પ્રક્રિયા દ્વારા પ્લાસ્ટિકનું રિસાયક્લિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ થાય છે. આથી નળસરોવર અને તેની આસપાસ પ્લાસ્ટિક કચરો એકત્ર થતો અટકાવવામાં મદદ મળી રહી છે.
નળસરોવર RFO ધવલ દેસાઈએ જણાવ્યું કે જનભાગીદારી અને આજીવિકા આધારિત આ સંરક્ષણ મોડલ નળસરોવરની સમૃદ્ધ જીવસૃષ્ટિના જતન માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણને આત્મનિર્ભરતા સાથે જોડતી આ પહેલ સ્વચ્છતા, રોજગાર અને જૈવવિવિધતા સંરક્ષણ વચ્ચેના સંકલનનું ઉદાહરણ પૂરું પાડે છે. VNI NEWS, Nal Sarovar, Plastic Waste Management, JICA, Gujarat Government, Viramgam, Kayla Village, Plastic Recycling, Ramsar Site, Biodiversity Conservation, Eco Development Committee, Nal Sarovar Plastic Waste Management, Plastic Free Nal Sarovar, JICA Gujarat, Plastic Recycling Gujarat, Waste to Income Initiative, VNINews, VNINews.com
