~Ahmedabad Civil Hospital is organising a free mammography camp throughout October under Pink October to promote early detection of breast cancer among women.

Ahmedabad, Gujarat, Sep 30 (VNI): અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘પીંક ઓક્ટોબર’ અંતર્ગત મહિલાઓ માટે સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન મફત મેમોગ્રાફી કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્તન કેન્સરની વહેલી ઓળખ અને સમયસર નિદાનના ઉદ્દેશ્ય સાથે સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા આ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે કેન્સર માત્ર એક રોગ નથી, પરંતુ સમગ્ર પરિવાર માટે માનસિક અને આર્થિક કસોટી છે. જો યોગ્ય સમયે અને પ્રાથમિક તબક્કામાં રોગની ઓળખ થઈ જાય તો સારવારના પરિણામો વધુ સારા આવી શકે છે. વિશ્વભરમાં ઓક્ટોબર માસને ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ’ અથવા ‘પીંક ઓક્ટોબર’ તરીકે ઉજવવામાં આવે છે. આ અભિયાનના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે નિઃશુલ્ક મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરાયું છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં મહિલાઓમાં સ્તન કેન્સર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ પરિસ્થિતિમાં વહેલી તપાસ અને નિયમિત સ્ક્રીનિંગનું મહત્વ વધે છે. ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સ્તન કેન્સર અંગે જાગૃતિ વધારવાનું વિશ્વવ્યાપી અભિયાન ઓક્ટોબર 1985માં શરૂ થયું હતું અને તેનો મુખ્ય હેતુ લોકોને સામાન્ય લક્ષણો અંગે જાગૃત કરવાનો તથા સમયસર તપાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
રેડિયોલોજી વિભાગના વડા ડૉ. શીતલ પટેલે જણાવ્યું હતું કે સ્તન કેન્સર શરૂઆતના તબક્કામાં ઘણી વખત કોઈ સ્પષ્ટ લક્ષણો કે દુખાવો આપતું નથી. સ્ક્રીનિંગ દ્વારા પ્રાથમિક તબક્કામાં રોગની ઓળખ થઈ શકે છે અને સમયસર સારવાર શરૂ કરી શકાય છે. તેમણે જણાવ્યું કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમયસર નિદાન દ્વારા સ્તન કેન્સરથી થતાં મૃત્યુદરને ઘટાડવાનો છે.
મેમોગ્રાફી સ્તનની લો-ડોઝ એક્સ-રે તપાસ છે, જેના દ્વારા સ્તનમાં રહેલા સૂક્ષ્મ ફેરફારો અથવા નાની ગાંઠને ઓળખી શકાય છે, જે હાથથી સ્પર્શ કરતાં પણ અનુભવાતી ન હોય. આ તપાસ માટે ભૂખ્યા પેટે રહેવાની કે કોઈ ખાસ તૈયારી કરવાની જરૂર નથી. 40 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે સ્ક્રીનિંગ મેમોગ્રાફી મહત્વપૂર્ણ છે. જ્યારે 18થી 40 વર્ષની મહિલાઓને સ્તનમાં ગાંઠ, દુખાવો કે અન્ય અસામાન્ય ફેરફાર જણાય અથવા માતા, માસી કે નાની સહિતના પરિવારમાં કેન્સરનો ઇતિહાસ હોય તો પણ તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી છે.
દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. મેમોગ્રાફી માટે કોઈ ખાનગી કે નિષ્ણાત ડૉક્ટરના રેફરન્સની જરૂર રહેશે નહીં. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ સિવાયના કોઈપણ વિભાગનું કેસ પેપર માન્ય રહેશે. મહિલાઓએ સિવિલ હોસ્પિટલના જી-1, રેડિયોલોજી વિભાગના રૂમ નંબર 19 ખાતે હાજર ડૉક્ટરને મળવાનું રહેશે. નોંધણી બાદ ટ્રોમા સેન્ટરના મેમોગ્રાફી રૂમમાં તપાસ કરવામાં આવશે.
દરરોજ 15થી 20 મહિલાઓની મેમોગ્રાફી કરવામાં આવશે. દર્દીઓની સંખ્યા વધે તો આગામી દિવસ માટે એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. જરૂર જણાય તો સોનોગ્રાફી પણ નિઃશુલ્ક કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયાના આશરે બે કલાકમાં રૂમ નંબર 19માંથી રિપોર્ટ મેળવી શકાશે. ઉપરાંત, દર્દીઓને WhatsApp મારફતે સીધો મોબાઇલ પર રિપોર્ટ મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ડૉ. શીતલ પટેલે મહિલાઓને સંકોચ છોડીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે બ્રેસ્ટ કેન્સરમાં વહેલું નિદાન અત્યંત મહત્વનું છે. શરૂઆતના તબક્કામાં લક્ષણો સ્પષ્ટ ન હોવાથી યોગ્ય વયે સ્ક્રીનિંગ કરાવવું સમજદારીભર્યું છે. તેમણે ‘પીંક ઓક્ટોબર’ નિમિત્તે મહિલાઓને કોઈપણ જાતના સંકોચ વિના આગળ આવી તપાસ કરાવવા અપીલ કરી હતી.
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે બ્રેસ્ટ કેન્સર સામેની લડાઈમાં વહેલી તપાસ જાગૃતિનું મહત્વનું પગલું છે. તેમણે મહિલાઓને ઓક્ટોબર દરમિયાન પોતાના અને પરિવારની મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી આ નિઃશુલ્ક કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
કેમ્પની મહત્વની વિગતો:
સ્થળ: જી-1, રૂમ નં. 19, રેડિયોલોજી વિભાગ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
સમય: સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન, સવારે 9:00થી સાંજે 5:00 વાગ્યા સુધી
સંપર્ક: 079-22683721

VNI NEWS, Ahmedabad Civil Hospital, Pink October, Breast Cancer Awareness, Free Mammography Camp, Mammography, Breast Cancer Screening, Radiology Department, Dr Shital Patel, Dr Rakesh Joshi, Free Mammography Camp Ahmedabad, Pink October Ahmedabad, Breast Cancer Screening, Ahmedabad Civil Hospital Mammography, Breast Cancer Awareness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *