અમદાવાદ, 14 ઓગસ્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ( જી.ટી.યુ) દ્વારા તેના વિદ્યાર્થીઓ માટે તેમજ સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓ માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની સેવા શરૂ કરાઇ છે અને તેને ‘જી.ટી.યુ.સારથી’ નામ આપવામાં આવ્યું છે.
જી.ટી.યુ તરફથી આજે જણાવવામાં આવ્યું કે ‘જી.ટી.યુ.સારથી ની સુવિધા ઉભી કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ લોકોને જી.ટી.યુ.ની વહીવટી પ્રક્રિયા જેવી કે (૧)ડુપ્લીકેટ માર્કશીટ (૨) ડીગ્રી વેરીફીકેશન(૩) કોલેજ અથવા યુનિવર્સિટી ટ્રાન્સફર(૪):-વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની માહિતી માત્ર એક જ જગ્યાએથી તથા માત્ર એક જ ક્લિકમાં તરતજ મળી રહે.આ ઉપરાંત જી.ટી.યુ.સારથી નો ઉપયોગ સરળતાથી થઈ શકે તેમ હોવાથી સંબંધ કરતા સૌને યુનિવર્સિટી સાથે સંપર્કમાં રહેવાની સુવિધા રહેશે.
જી.ટી.યુ.સારથીનો ડેસ્કટોપ અને મોબાઈલમાં ઉપયોગ કરી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે.વપરાશકર્તા દ્વારા પૂછાયેલા પ્રશ્નો અંગે ચોક્કસ માહિતી પણ અહીં મળી શકે તેમ છે.આ ઉપરાંત ‘જી.ટી.યુ. સારથી’ અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી સહિત અનેક ભાષાઓને સપોર્ટ કરે છે તેમજ તે પ્રશ્નો-જવાબોના આધારે સ્વ-શિક્ષણ પણ કરી શકે છે.
‘જી.ટી.યુ.સારથીનુ એક મહત્વનું પાસું એ છે કે વિદ્યાર્થીઓ, વાલીઓ,કોલેજ સ્ટાફ કે અન્ય કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે એક્જ જગ્યાએથી જરૂરી માહિતી મેળવી શકે છે અને તેને કારણે સમય અને માનવ બળ નો વપરાશ ઘટે છે અને તેનો અન્ય ઉત્પાદક કાર્યોમાં ઉપયોગ કરી શકાય છે.