Spread the love

નડિયાદ, 15 ઓગસ્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી આજે ધ્વજ વંદન કર્યું.
શ્રી પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે.

મુખ્યમંત્રીએ આ રાષ્ટ્રીય પર્વે પ્રજાજનોને આપેલા પ્રેરક સંદેશમાં સુશાસન સંબંધિત બે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂ. ૫૦૧૭ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી.
એટલું જ નહી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુંથી જરૂરતમંદ એન.એફ.એસ.એ. પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ. ૧૫ હજારથી વધારીને રૂ. ૨૦ હજાર કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી.