Spread the love

Gandhinagar, 01 September, ગુજરાતના 28 ખ્યાતનામ કલાકારોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ‘સંસ્કાર સન્માન – 2024’ અને ‘સંસ્કાર વિભૂષણ’ માનપત્ર અર્પણ કર્યા.
શ્રી દેવવ્રતએ સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાન્ત દ્વારા આયોજિત સંસ્કારોત્સવ સમારોહમાં ગુજરાતના સંગીત, સાહિત્ય, કલા, નાટ્ય-નૃત્ય સહિત વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું ‘સંસ્કાર વિભૂષણ’ પુરસ્કારથી સન્માન કર્યું હતું. કલા ક્ષેત્રના મહાનુભાવોને અભિનંદન આપતાં એમણે કહ્યું કે, કલાકારો-સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે. સાહિત્ય, સંગીત કે કલા માત્ર મનોરંજનનું માધ્યમ નથી, મનુષ્યમાં સુસંસ્કારોનું સિંચન કરીને આત્માને આનંદિત અને આહ્લાદિત કરીને અધ્યાત્મ તરફ લઈ જાય છે.
સંસ્કાર ભારતી 43 વર્ષથી ભારતીય કલા અને ભારતીય સંસ્કૃતિની સેવામાં સક્રિય છે. સંસ્કાર ભારતી એક વૈચારિક ચેતના છે, જે કલાના માધ્યમથી ભારતીય સભ્યતા અને વૈશ્વિક સમુદાયને નૂતન દિશા દર્શન કરાવવાના આશય સાથે પ્રવૃત્ત છે. ભારતના 34 રાજ્યોમાં 1300 સમિતિઓના માધ્યમથી સંસ્કાર ભારતી સક્રિયતાથી કલા અને કલાકારોના ઉત્કર્ષ માટે કાર્યરત છે.
ગુજરાતના 28 જેટલા ખ્યાતનામ કલાકારોને ‘સંસ્કાર સન્માન – 2024’ અને ‘સંસ્કાર વિભૂષણ’ માનપત્ર અર્પણ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, જે માઇક્રોફોન દ્વારા મારો અવાજ આપના સુધી પહોંચે છે એ માઇક્રોફોનમાં વપરાયેલા લોખંડ અને પ્લાસ્ટિકની કિંમત તો 20-40 રૂપિયા જ હશે, પરંતુ એન્જિનિયરોએ લોખંડ-પ્લાસ્ટિકના ટુકડામાં સંસ્કાર સિંચન કરીને તેને માઇક્રોફોન બનાવ્યું એટલે તેની કિંમત હજ્જારો રૂપિયા થઈ ગઈ. સંસ્કાર માણસને મનુષ્ય બનાવે છે, મૂલ્યવાન બનાવે છે, જીવન જીવતાં શીખવે છે.
જે વ્યક્તિ સાહિત્ય, સંગીત અથવા કળા વિનાની છે તે વ્યક્તિ પૂંછડા અને શીંગડા વિનાના પશુ સમાન છે, આ સુભાષિતને ટાંકીને રાજ્યપાલએ કહ્યું કે, કલા મનુષ્યને જીવન જીવતાં શીખવે છે. આ સૃષ્ટિમાં જડ-ચેતન તમામ પદાર્થો અન્યના ઉપયોગ અને પૂર્તિ માટે છે. મનુષ્ય જીવન પણ પરમાર્થ માટે હોવું જોઈએ. ધર્મ, અર્થ અને કામ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્તિ એ જીવનનો પરમ ઉદ્દેશ્ય છે. કલા-સાહિત્ય આ દિશામાં પ્રેરણા આપવાનું કામ કરે છે. તેમણે ભારતીય જીવન મૂલ્યો અને ભારતીય સંસ્કાર પરંપરાને જાળવી રાખવાની જવાબદારી નિભાવતી સંસ્કાર ભારતીને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે ભારત સરકારની સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે સંસ્કાર ભારતી સંસ્થાના કાર્યોનો ચિતાર આપ્યો હતો અને આજના આયોજન બદલ અભિનંદન આપતાં કહ્યું કે, પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ અને ઈલેક્ટ્રોનિક મનોરંજક માધ્યમોના પ્રભાવ વચ્ચે સંસ્કાર ભારતી ધરતીની ધૂળમાં રમતા કલાકારોની કલાને પોંખીને, તેમના મૂંગામંતર થઈ ગયેલા વાજિંત્રોને ધબકતાં રાખવાનું કામ કરી રહી છે જે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે અનાજ કે ચીજ વસ્તુઓનો દુષ્કાળ પડશે તો વિદેશથી આયાત પણ કરી શકાશે. પરંતુ કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે તો તે ક્યાંયથી આયાત નહીં થઈ શકે. કલા, સંસ્કાર અને સંસ્કૃતિને તો આપણી ધરતીમાં જ ઉગાડવા પડશે, તેનું જતન અને સંવર્ધન કરવું પડશે. કલા દિવસે તો કલાકાર જીવશે, અને કલાકાર જીવશે તો રાષ્ટ્ર જીવશે.
આ પ્રસંગે સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંત પ્રમુખ અભેસિંહ રાઠોડે ઉપસ્થિત સૌ લોકોનું અભિવાદન કરી આવકાર્યા હતા. તેમણે આનંદપૂર્વક જણાવ્યું હતું કે, સંસ્કારોત્સવ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ એ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે.
આ પ્રસંગે સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ રમણીકભાઈ ઝાપડિયા, જનરલ સેક્રેટરી જયદીપસિંહ રાજપૂત, ઓજસ હિરાણી તથા રાજ્યના વિવિધ ખ્યાતનામ લોકકલાકારો અને સંસ્કાર ભારતી સંસ્થા સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.