~સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2026ના ચોથા દિવસે નિરંજન પટેલે આર્યભટ્ટ વિશે અને શુચિતા મહેતાએ આર્યભટીય ગ્રંથ વિશે મનનીય વક્તવ્ય આપ્યું.
Ahmedabad, Gujarat, Oct 24 (VNI): ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’ના ચોથા દિવસે શનિવારે સંસ્કૃતસર્જક આર્યભટ્ટ વિશે પ્રો. નિરંજન પટેલે અને તેમના મહત્ત્વપૂર્ણ સંસ્કૃત ગ્રંથ ‘આર્યભટીય’ વિશે પ્રો. શુચિતા મહેતાએ મનનીય વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમમાં આર્યભટ્ટના યોગદાન તેમજ ભારતીય ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના વિકાસમાં તેમના કાર્યના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
પ્રો. શુચિતા મહેતાએ જણાવ્યું હતું કે આર્યભટ્ટ દ્વારા રચિત કૃતિ ‘આર્યભટીયમ’ ભારતીય ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના સિદ્ધાંતોનો અમૂલ્ય ખજાનો છે. આ ગ્રંથના ચાર વિભાગો—ગીતિકાપાદ, ગણિતપાદ, કાલક્રિયાપાદ અને ગોલપાદમાં કુલ 123 શ્લોકો છે. તેમાં બ્રહ્માંડ, ગ્રહો, ગ્રહોની ગતિ, ગ્રહણ, અંકગણિત, પાઈનું મહત્ત્વ, ત્રિકોણમિતિ અને પૃથ્વીના ભ્રમણ જેવા મહત્ત્વપૂર્ણ વિષયોનું સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘આર્યભટીય’ની હસ્તપ્રતોની શોધ માટે યુરોપના વિદ્વાનો કોલબ્રુક અને અલ-બરુનીએ ભારતમાં પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને આ ગ્રંથ મળ્યો નહોતો. ઈ.સ. 1863માં ડૉ. ભાઉ દાજી લાડે કેરળમાંથી આ ગ્રંથની હસ્તલિખિત પ્રતો શોધી કાઢી હતી. તેમણે આ ગ્રંથ પર કરેલું સંશોધન ઈ.સ. 1864માં રોયલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્યકારો અને સંસ્કૃત સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
ઓમ કૉમ્યુનિકેશન દ્વારા મૈત્રેયી મહેશ લાલના સહયોગથી આયોજિત ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી 2026’ 21થી 25 ઑક્ટોબર દરમિયાન અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં યોજાઈ રહ્યું છે. પાંચ દિવસીય આ કાર્યક્રમ દરરોજ સાંજે 5:30 વાગ્યે યોજાય છે. VNI NEWS, આર્યભટ્ટ, આર્યભટીય, સંસ્કૃતપર્વ વાગ્માધુરી 2026, નિરંજન પટેલ, શુચિતા મહેતા, ભારતીય ગણિતશાસ્ત્ર, ભારતીય ખગોળશાસ્ત્ર, સંસ્કૃત સાહિત્ય, આર્યભટ્ટ, આર્યભટીય, સંસ્કૃતપર્વ, વાગ્માધુરી 2026, નિરંજન પટેલ, શુચિતા મહેતા, સંસ્કૃત સાહિત્ય, ભારતીય ખગોળશાસ્ત્ર, ભારતીય ગણિતશાસ્ત્ર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ઓમ કૉમ્યુનિકેશન, અમદાવાદ, VNINews, VNINews.com
