Spread the love

Gandhinagar, Sep 09, Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે તેવો સ્પષ્ટ મત ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ વ્યવસ્થાના કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષીએ આજે વ્યક્ત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના વિભાગનું વિવિધ યોજનાઓમાં પર્ફોર્મન્સ પણ સારું છે. એટલું જ નહીં, ટેક્નોલોજીનો સમન્વય કરીને જે પારદર્શિતા અપનાવવામાં આવી છે તેને અન્ય રાજ્યો ફોલો કરી શકે તેવી આ સુદ્રઢ વ્યવસ્થા છે.
કેન્દ્રિય મંત્રીશ્રી પ્રહલાદ જોષીએ ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની ગતિવિધિઓનું પ્રેઝન્ટેશન નિહાળીને સમીક્ષા કરી હતી.
રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમાર તેમ જ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
ગુજરાતમાં 3.63 કરોડ એન.એફ.એસ.એ. લાભાર્થીઓ સહિત જરૂરતમંદ પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે 17000 જેટલી વાજબી ભાવની દુકાનો દ્વારા અન્ન વિતરણ કરવામાં આવે છે. આવા અનાજના સંગ્રહ માટે 250 જેટલા ગોડાઉન પણ કાર્યરત છે, તેની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
ગુજરાત સરકારે વિવિધ ખાદ્યાન્નના પરિવહનની લાસ્ટ માઈલ ડિલિવરી સુનિશ્ચિત કરવાના હેતુસર સપ્લાય ચેઈન ઓટોમેશન, વાહનોનું લાઈવ ટ્રેકિંગ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા રાજ્ય કક્ષાએથી 250 ઉપરાંત ગોડાઉનમાં 7500 જેટલા સીસીટીવી કેમેરાથી સપ્લાય ચેઈન મોનિટરિંગ સહિતની જે ફૂલપ્રૂફ વ્યવસ્થા વિકસાવી છે, તે અંગે જાણવામાં કેન્દ્રિય મંત્રીશ્રીએ ઊંડો રસ દાખવ્યો હતો.
અનાજનું પરિવહન કાર્યક્ષમ રીતે વધારવા માટે કેન્દ્ર સરકારની ભલામણ અનુસાર રૂટ ઓટોમાઈઝેશનના અમલથી ગુજરાત સરેરાશ માસિક 53 લાખ રૂપિયાની બચત કરે છે, તેની પણ મંત્રીશ્રીએ સરાહના કરી હતી.
રાજ્યમાં ‘માય રાશન’ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે તથા મોબાઈલથી ફેઈસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કે.વાય.સી.ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયાનો લાભ 59 લાખથી વધુ લોકોએ લીધો છે અને 20 લાખથી વધુ લોકોએ આ મોબાઈલ એપ ડાઉનલોડ કરી છે, તેની વિગતો બેઠકમાં કેન્દ્રિય મંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં કાર્યરત સી.એમ. ડેશબોર્ડની ફીડબેક મિકેનિઝમ સિસ્ટમ દ્વારા લાભાર્થીઓ ટેલિફોનિક સંપર્ક કરીને જાહેર વિતરણ વ્યવસ્થા અંગેના પ્રતિભાવો-ફીડબેક મેળવવામાં આવે છે. આ સિસ્ટમની સફળતા અંગે કેન્દ્રિય મંત્રીને જણાવવામાં આવ્યું કે 95 ટકા જેટલા લોકોએ વિતરણ વ્યવસ્થા તથા ક્વોલિટી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.
એટલું જ નહીં, રાજ્ય સ્તરીય ગ્રાહક તકરાર નિવારણ આયોગને મળેલી ફરિયાદોમાં 90 ટકા અને જિલ્લા સ્તરીય આયોગની 96 ટકા સમસ્યાઓનું છેલ્લાં 3 વર્ષમાં નિવારણ લાવી દેવાયું છે.
મિલેટની-અન્નની ખરીદી અને વિતરણને પ્રોત્સાહન આપવામાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરીને 1,70,600 મે.ટન શ્રીઅન્નની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને 470 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
વન નેશન-વન રેશન કાર્ડની ગુજરાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલ કરીને અત્યાર સુધીમાં 69.94 લાખ ટ્રાન્ઝેક્શન કરેલા છે, તેની પણ કેન્દ્રિય મંત્રીશ્રીએ નોંધ લીધી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે અનાજ, કઠોળ, ખાદ્યતેલ, વગેરેની ગુણવત્તા જાળવવા માટે ઝીરો ટોલરેન્સી નીતિ અપનાવવાના સ્પષ્ટ નિર્દેશો વિભાગને આપેલા છે. આ અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા, પી.એમ. પોષણ, આઈ.સી.ડી.એસ. માટે કરવામાં આવતી બધી જ ખાદ્ય સામગ્રી ફૂડ રિસર્ચ લેબોરેટરીના કડક ગુણવત્તા માપદંડોમાં પસાર થયા પછી જ વિતરણ કરવામાં આવે છે.
ગુજરાતની આવી ફૂલપ્રૂફ વ્યવસ્થાથી પણ કેન્દ્રિય મંત્રીશ્રી પ્રહલાદ જોષી પ્રભાવિત થયા હતા. રાજ્યને વિવિધ ખાદ્યાન્નની કેન્દ્ર દ્વારા ફાળવણીના સંદર્ભમાં શ્રી પ્રહલાદ જોષીએ કેન્દ્ર સરકાર યોગ્ય વિચારણા કરશે તેમ પણ જણાવ્યું હતું.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી રમેશ મીણાએ રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા તેમ જ કેન્દ્ર અને રાજ્યની યોજનાઓમાં ગુજરાતના પર્ફોર્મન્સ અંગેની વિસ્તૃત જાણકારી પ્રેઝેન્ટેશનના માધ્યમથી આપી હતી.