Spread the love

Ahmedabad, Sep 30, Gujarat ના અમદાવાદમાં ‘પાક્ષિકી’ અંતર્ગત જાણીતા લેખક નટવર પટેલ  દ્વારા  એમના એકાંકી  ‘ન દેખતાનો દેશ’નું પઠન કરવામાં આવ્યું.
સંચાલન જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૦૫:૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત જાણીતા લેખક નટવર પટેલ  દ્વારા  એમના એકાંકી  ‘ન દેખતાનો દેશ’નું પઠન કરવામાં આવ્યું હતું.
ક્વિટો નગરનો રહેવાસી નૂનેજ પર્વતારોહક વિલ્સનની ટીમના ગાઇડ તરીકે કામ કરતી વખતે પહાડમાંથી સરકીને એક અજાણ્યા પ્રદેશમાં પહોંચી જાય છે. એ પ્રદેશ ન દેખતાં લોકોનો હોય છે. વળી એમાંથી બહાર નીકળવાનો પણ કોઈ રસ્તો નથી. અહીંનાં લોકો અંધ હોવા છતાં સામાન્ય લોકોની જેમ જ વ્યવહાર ચલાવે છે.
આવા પ્રદેશમાં નૂનેજ પ્રથમ ત્રણ વ્યક્તિઓને રસ્તે જતી જુએ છે. એ પેદ્રો, કોરિયા અને જુલિયા હોય છે. એ સાદ પાડે છે. વાતચીત થાય છે. નૂનેજને હવે પોતે ક્યાં પહોંચી ગયો છે એનું ભાન થાય છે. ધીરે ધીરે સૌ સાથે હળેભળે છે. નૂનેજને  એ લોકો બોગોટા એવું નવું નામ આપે છે. એ પછી પ્રદેશના મુખ્યા યાકોબ અને તેની દીકરીઓ મદિનાના સંપર્કમાં આવે છે.
નૂનેજને નમદિના ગમવા લાગે છે. એક દિવસ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. મદિના પિતા યાકોબને મનાવી લેવાની ખાતરી આપે છે. આ દરમિયાન પેદ્રોને લાગે છે કે જો બોગોટા મદિના સાથે પરણી જશે તો‌ પોતે મુખ્યા નહીં બની શકે. એ કાવતરું કરે છે. નૂનેજ એમાંથી હેમખેમ બહાર આવે છે.
અહીં યાકોબ મદિના સામે એક શરત રાખે છે. જો બોગોટા આંખોનાં ભાગને દૂર કરશે તો ચોક્કસ એની સાથે લગ્ન કરાવી દેશે. મદિના આ વાત બોગોટા આગળ મૂકે છે. પછી જે ઘટના આકાર લે છે તે એકાંકીને અનોખો અંત આપે છે.
એચ.જી. વેલ્સની વાર્તા ધ કન્ટ્રી ઓફ ધ બ્લાઇન્ડથી પ્રેરિત આ એકાંકી રસપ્રદ બની રહે છે.આ કાર્યશાળામાં મનહર ઓઝા, ડો. હર્ષદ લશ્કરી, ચેતન શુક્લ , ઉર્વશી શાહ, ડૉ. અમૃતભાઈ પટેલ, મંજુલાબેન પટેલ તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું