Spread the love

Gandhinagar, 0ct 04, ,Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી ‘સહકાર સે સમૃદ્ધિ’ની દિશા મળી છે.
શ્રી પટેલે જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી મોદીએ સહકારિતા ક્ષેત્રને રાષ્ટ્રવ્યાપી ફલક આપવા દેશમાં પહેલીવાર અલાયદું સહકાર મંત્રાલય સ્થાપ્યું છે. સાથે સહકાર મંત્રાલયની બાગડોર પણ લોકલાડીલા સાંસદ અને યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. ભૂતકાળમાં એડીસી બેંકના ચેરમેન તરીકે અમિતભાઈનું વિઝનરી નેતૃત્વ મળ્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીએ વધુમા ઉમેર્યુ કે, શ્રી શાહે સતત છ વર્ષથી NPA વધતાં મોટી રકમના બૂકલોસમાં આવી ગયેલી ADC બેંકને પોતાની આગવી સૂઝ, કુનેહ અને વહીવટી કુશળતાથી બેંકને પાટા પર ચડાવી હતી. તેમજ વર્ષોથી ખોટમાં ચાલતી એડીસી બેંક એમના નેતૃત્વના પ્રથમ વર્ષથી જ નફો કરવા લાગી હતી. એક સમયે જ્યારે માધુપુરા બેંક નબળી પડી ત્યારે સહકારી ક્ષેત્ર પરનો લોકોનો વિશ્વાસ ડગી ન જાય તેની પણ ખાસ તકેદારી એમણે લીધી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.
સહકારી ક્ષેત્રે શ્રી અમિતભાઈ શાહે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, સહકારી બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ મળે તે માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન તથા બેંકોના ફંડનું સલામત રોકાણ જેવા અનેક ઉદાહરણરૂપ પગલાં એમના દિશાદર્શનમાં લેવાયા છે. તેમજ સહકાર ક્ષેત્રે કો-ઓપરેટિવ બેંકો સામે રહેલા પડકારોને તકમાં પલટાવીને દેશના સહકારી માળખાને નવી દિશા આપી હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સમગ્ર સહકારી સેક્ટર અમિતભાઈના દિશાદર્શનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રોથ તરફ આગળ વધ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત આયોજનથી ‘સહકાર સે સમૃદ્ધિ’ની દિશા મળી છે અને ગુજરાત તેમાં અગ્રેસર રહ્યું છે. સહકારિતા વચ્ચે સહકાર ‘કો-ઓપરેશન એમોંગ્સ કો-ઓપરેટિવ’ની મુવમેન્ટથી સહકારી બેંકો વચ્ચેનો તાલમેલ વધ્યો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
ADC બેંકની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણી પ્રસંગે બેંકના સૌ અગ્રણીઓ-હોદ્દેદારોને અભિનંદન પાઠવતાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી મોદીના ‘‘સહકારથી સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારત’’ના સૂત્રને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. વર્ષ ૧૯૨૫માં શરૂ થયેલી ADC બેંક એક વૃક્ષમાંથી આજે ૨૦૮ શાખાઓ સાથે વટવૃક્ષ બની છે. ADC બેંકનો વિકાસ આધુનિક વિચારધારા, પારદર્શી વહીવટ અને પરિણામલક્ષી બેન્કિંગના સંકલ્પ સાથે થયો છે.
શ્રી વિશ્વકર્માએ ઉમેર્યુ હતું કે, ADC બેંકે આદર્શ બેંક તરીકેના તમામ પેરામીટર્સને પરિપૂર્ણ કરી, રાજ્યની જિલ્લા સહકારી બેંકોમાં અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી હરણફાળ ભરી છે. આજે ADC બેંક મોટું વટવૃક્ષ બની છે તેનો શ્રેય શ્રી અમિતભાઈના અથાગ પ્રયત્નો અને આગવી સૂઝને જાય છે. તેમણે વેપારી કુનેહથી બેંકનાં વહીવટને વેગવંતો બનાવ્યો. આ બેંકમાં અત્યારસુધીમાં ૨૧.૪૪ લાખથી વધુ નવા ખાતા ખોલાયા છે જેમાં અંદાજે રૂ. ૬,૧૮૮ કરોડની ડિપોઝીટ જમા છે.
ADC બેંકના ચેરમેન અજયભાઈ પટેલે સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કે, સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહના સબળ નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર વિકાસનાં અનેક નવા સોપાનો સર કરી રહ્યું છે. તેમને સહકરિતા વિભાગ સંભાળ્યા બાદ ૫૪ જેટલા સુધારા કર્યા છે. ગુજરાતમાં કો-ઓપરેશન ઓવર કો-ઓપરેટિવ પહેલ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને મદદ મળી રહી છે. આ પહેલ સહકારી ક્ષેત્રે નવો આયામ લખશે. બેંક દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે નિમિત્તે ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી એટલે કે, ૧૮૦ દિવસના વિશેષ સેવાયજ્ઞનું આયોજન હાથ ધરાયું છે. જેમાં આજુબાજુના ગામોમાં મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, શૈક્ષણિક સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે. આ ઉપરાંત ADCના વાઈસ ચેરમેન જગદીશભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
ADC સાથે જોડાયેલા ૫૭૫ સેવા સહકાર મંડળીઓના સભાસદોને વોકર, વ્હીલચેર અને ટ્રાઈસિકલ ઉપરાંત ૬૭૩ ભજન મંડળીઓને સહકારિતા મંત્રી શ્રી શાહના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકરૂપે વાદ્ય યંત્રો પણ આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ADC બેંકના વિશ્વાસ- સફળતાના ૧૦૦ વર્ષ નિમિત્તે બેંકની વિકાસગાથા દર્શાવતી એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સામાજિક ન્યાય અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર, ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેન્દ્રીય સહકારિતા સચિવ આશિષ બુટાણી વિવિધ સહકારી બેંકના ડાયરેક્ટરઓ, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, બેંકના કર્મચારીઓ તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *