~Ahmedabad Crime Branch registers a case against a father-son duo accused of cheating police personnel of Rs 50 lakh by promising to settle complaints through senior officials.
Ahmedabad, Gujarat, Nov 26 (VNI) : સરકારી ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો ખોટો ભરોસો આપી પોલીસ કર્મચારીઓ પાસેથી રૂ. ૫૦ લાખની છેતરપિંડી કરવાના અને વધુ રૂ. ૧૦ લાખની બળજબરીપૂર્વક માંગણી કરવાના આરોપસર પિતા-પુત્ર વિરુદ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી અનાર્મ હેડ કોન્સ્ટેબલ વેલજીભાઈ જીવણભાઈ રબારી અને તેમના સહકર્મચારીઓ અગાઉ જી.યુ.વિ.એન.એલ. પોલીસ સ્ટેશન, સાબરમતી ખાતે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમની વિરુદ્ધ એક નનામી અરજી થઈ હતી, જેની તપાસ ચાલી રહી હતી. આ પરિસ્થિતિનો લાભ લઈને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બદપુરા ગામના વતની અને હાલ અમદાવાદના ગુરુદ્વારા, થલતેજ વિસ્તારમાં રહેતા ખાનગી વ્યક્તિ એન.ડી. ચૌધરી તથા તેમના પુત્ર આકાશ ચૌધરીએ કથિત રીતે ગુનાહિત કાવતરું રચ્યું હતું.
આરોપીઓએ સરકારમાં અને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પોતાની સારી ઓળખાણ હોવાનું જણાવી અરજીનો નિકાલ કરાવી આપવાની લાલચ આપી હતી. આ બહાને ૨૬ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ફરિયાદી સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી અલગ-અલગ હપ્તામાં કુલ રૂ. ૫૦ લાખ રોકડા મેળવ્યા હોવાનો આરોપ છે. ત્યારબાદ વધુ રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી અને નાણાં નહીં આપવામાં આવે તો ખાતાકીય કાર્યવાહી કરાવી ગુનો દાખલ કરાવવાની ધમકી આપીને બળજબરીથી નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે તપાસ અધિકારી નાયબ પોલીસ અધિક્ષકનો સંપર્ક કરતાં કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારની વાત ખોટી હોવાનું અને તપાસ હજુ ચાલુ હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ ભોગ બનનાર હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદ શહેર ડી.સી.બી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક સુભાષભાઈ નીનામા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પોલીસે જાહેર જનતા તેમજ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને અપીલ કરી છે કે એન.ડી. ચૌધરી અને આકાશ ચૌધરી દ્વારા સરકારી કામ કરાવી આપવાના, અરજીનો નિકાલ કરાવવાના કે ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાના બહાને અન્ય કોઈની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હોય તો નિર્ભયપણે આગળ આવે. ભોગ બનેલા લોકો નજીકના પોલીસ સ્ટેશન, સંબંધિત પોલીસ કમિશનર કચેરી, જિલ્લા પોલીસ વડાની કચેરી અથવા ગાંધીનગર પોલીસ ભવન ખાતે કાર્યરત ‘જન સંપર્ક કેન્દ્ર’નો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આવી છેતરપિંડી અને ખોટી ઓળખ આપી નાણાં પડાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ગુજરાત પોલીસે ખાતરી આપી છે. VNI NEWS, Ahmedabad Crime Branch Fraud, Rs 50 Lakh Fraud, Gujarat Police Fraud Case, Father Son Fraud, Police Personnel Cheating Case, Ahmedabad Crime Branch, Gujarat Police, Rs 50 Lakh Fraud, Father Son Fraud, Police Personnel, Cheating Case, Gujarat Crime News
Hashtags: AhmedabadCrimeBranch, GujaratPolice, FraudCase, Rs50LakhFraud, CrimeNews, AhmedabadNews, VNINews, VNINews.com
