Ahmedabad, Oct 13, Gujarat ના અમદાવાદમાં વાર્તાકાર અર્ચિતા દીપક પંડ્યા દ્વારા એમની વાર્તા ‘દ્વિજા’નું પઠન કરવામાં આવ્યું .
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે દ્વિજા નું પઠન: રેલ્વે પ્લેટફોર્મ પર દાળવડાં ખાતો એક પોલીસવાળો છાપાની હેડલાઇન વાંચે છે. જેમાં કોઈ અલગ જ પ્રકારનું કડું પહેરાવેલ લાશ મળી હોવાના સમાચાર છે. એ સમયે પ્લેટફોર્મ પર એક બીજી ઘટના પણ બને છે. પ્લેટફોર્મ પર જિંદગી ગુજારનારી કમુ પોતાની દીકરી સવલીને નવા કપડાં પહેરાવી એક ખૂણામાં બેસાડે છે. દારૂડિયા અને દીકરીને અડપલાં કરતાં પતિના ધ્યાને ન ચઢવા કહે છે. એ પછી મા ક્યાં જતી રહે છે એનો સવલીને ખ્યાલ જ નથી આવતો. એને જોઈ રહેલો પેલો લંબુ પણ ગૂમ થઇ જાય છે. પ્લેટફોર્મ પર જ એની રાત ગુજરે છે. સવારે જાગતાં પાટા પર માની સાડી ફરફરતી હોય એવું સવલીને લાગે છે. એ તે તરફ જવા લાગે છે. મા દેખાતી જ નથી અને અચાનક એક લીલા બગીચા જેવી નવી સૃષ્ટિમાં આવી ચડે છે.
ત્યાં લેધરસ્યુટ પહેરેલ હોય એવા બાળકો રમતાં હોય છે. એ સમયે સેવ્યોરા નામથી એને કોઈ રોબો જેવી સ્ત્રી બોલાવે છે. સવલી એને કહે છે મારું નામ સેવ્યોરા નથી. રોબો સ્ત્રી પોતાનો ડેટા ચેક કરે છે. ફેસ ડીટેક્ટ ના થતાં સાઇરન વાગવા લાગે છે. એ જ વખતે સવલીની ઝેરોક્ષ જેવી છોકરી આવીને સવલીને એક દરવાજાની અંદર ખેંચી લે છે. એ સેવ્યોરા હોય છે. થોડા આરામ પછી બંને બહાર નીકળે છે. ત્યાં એક જણ સવલીને ઘસાઈને નીકળે છે. એ ડરી જાય છે. સેવ્યોરા એક બટન દબાવી પોતાની આંગળીઓમાંથી છરી જેવા નખ કાઢી પેલાને પૂરો કરી નાખી એની લાશને કડું પહેરાવી દે છે. એ પછી સવલી પાસે સેવ્યોરા એની વિગત જાણે છે.સવલી એને પોતાની માની શોધ વિશે કહે છે. સેવ્યોરાને ખ્યાલ આવે છે કે સવલી બીજા બ્રહ્માંડમાંથી આવે છે. સેવ્યોરા કહે છે હું પણ તારા જેવી જ છું પણ ફરક એટલો છે કે અલગ બ્રહ્માંડમાં રહીએ છીએ.કોઈ પણ સ્થળે નરાધમો ના બચવા જોઈએ.
એ પછી સેવ્યોરા સવલીની વિગત મુજબ એની માને શોધવા યાનમાં બેસી લંબુ પાસે આવે છે. સવલી લંબુને માં વિશે પૂછે છે તો એ કહે છે કે હવે તું આવી ગઈ છે તો એની શી જરૂર છે? એ સવલીને પકડે છે. સવલી બચવા પ્રયત્ન કરે છે. એ વખતે સેવ્યોરા યાનમાંથી ઊતરી સવલીની મદદે આવે છે. ચાંપ દાબી ને લંબુના ગળામાં નખ પરોવી દે છે. લંબુ તરફડીને મૃત્યુ પામે છે. એના હાથમાં પેલું અજીબ કડું પહેરાવી દે છે. સેવ્યોરા એ યંત્ર સવલીને આપી યાનમાં પોતાનાં બ્રહ્માંડમાં પાછી ફરી જાય છે.
એ પછી સવલીએ પોતાનાં બ્રહ્માંડમાં પંદરમી લાશને કડું પહેરાવીને પંદરમી સ્ત્રીને ન્યાય અપાવ્યો. સવલીને હવે પોતાના બ્રહ્માંડની પ્રહરી બનવાનો આનંદ છે. અહીં વાર્તા પૂરી થાય છે.
કોઈ પણ બ્રહ્માંડ હોય, સ્ત્રી પરની નરાધમોની નજરમાં કોઈ જ ફરક નથી હોતો. એનો ખાતમો કરતાં સ્ત્રીએ જ શીખવું પડશે એવા ભાવ સાથેની આ ફેન્ટસી નાવિન્યનો અનુભવ કરાવે છે. આ કાર્યશાળામાં પરબના સંપાદક કિરીટ દૂધાત અને જાણીતા વાર્તાકાર કેશુભાઈ દેસાઈએ વાર્તા વિશે પોતાનાં મૂલ્યવાન અભિપ્રાયો આપવા સાથે વિગતે વાત કરી હતી. આ ઉપરાંત જાણીતા બાળસાહિત્યકાર નટવર પટેલ, સાહિલ પરમાર, દીનાબેન પંડ્યા, મનહર ઓઝા, ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, ડો. હર્ષદ લશ્કરી, નિર્મળા મેકવાન, મુકુલ દવે, સલિલ મહેતા, ઉર્વશી શાહ, નીતા જોષી , સ્વાતિ શાહ, રા.સુ. અસારી, અશોક સોમપુરા,અંજના પટેલ, હિમાંશુ પટેલ, ભરત સાંગાણી, ધ્વનિ પંડ્યા, હીરલ વ્યાસ, ઊર્મિ પંડિત, તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.