Spread the love

Ahmedabad, Oct 21, Gujarat ના અમદાવાદમાં સંસ્કૃતસર્જક ‘મહેન્દ્રવર્મન્ ‘ વિશે લલિત પટેલે અને સંસ્કૃતગ્રંથ ‘મત્તવિલાસ’ વિશે રવીન્દ્ર ખાંડવાલાએ વક્તવ્ય આપ્યું.
સમગ્ર કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના પાંચમા-અંતિમ દિવસે રવિવારે સંસ્કૃતસર્જક ‘મહેન્દ્રવર્મન્ ‘ વિશે લલિત પટેલે અને સંસ્કૃતગ્રંથ ‘મત્તવિલાસ’ વિશે રવીન્દ્ર ખાંડવાલાએ મનનીય વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સંસ્કૃતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
લલિત પટેલ : મત્તવિલાસ પ્રહસનના કર્તા મહેન્દ્ર વિક્રમ વર્મા સાતમી સદીમાં થયેલા એક કુશળ શાસક અને ઉચ્ચ કોટિના વિદ્વાન અને સાહિત્યના એક મર્મજ્ઞ કવિ પણ હતા. તેઓ પ્રજ્ઞા, દાન ,દયા ,અનુભાવ, ધૃતિ, કાંતિ, કલા,કૌશલ ,સત્ય ,પરાક્રમ,  નિષ્કપટતા ,વિનય વગેરે ગુણોથી સંપન્ન હતા. તેમના પિતાનું નામ સિંહવિષ્ણુ હતું. એક કિંવદંતી અનુસાર તેઓ શરૂઆતમાં જૈન ધર્મના અનુયાયી હતા અને પછી તેઓએ શૈવ ધર્મનો સ્વીકાર કર્યો હતો.
રવીન્દ્ર ખાંડવાલા : ‘મત્તવિલાસ’ કૃતિ કર્તા પક્ષે તેનાં સમયની ક્રાંતિકારી અને નૈતિક સાહસ દર્શાવનારી , નિખાલસ, નિર્દંભ અને નિષેધ વિનાની છે. એ રીતે એનું મૂલ્ય અનેરું છે. મત્તવિલાસના સર્જક મહેન્દ્રવર્મા પોતાની કલાપ્રિયતા, પ્રશાસનિક યોગ્યતા તથા વિદ્વત્તા માટે જાણીતા હતા. તેમના આ પ્રહસનમાં તત્કાલીન પ્રચલિત બૌદ્ધ, જૈન, કાપાલિક તથા પાશુપત (શૈવ) જેવા સાંપ્રદાયિકોના સાચા સ્વરૂપને પ્રગટ કરવામાં અત્યંત સફળ થયા છે. આ પ્રહસનમાં તે સમયની ધાર્મિક સ્થિતિની વિડંબના સુંદર રીતે નર્મમર્મ હાસ્ય દ્વારા ચિત્રણ કરવામાં આવી છે. તેમાં કવિએ અત્યંત રોચક તથા પ્રભાવોત્પાદક, સુસંગત અને શ્લિષ્ટ ભાષાનો પ્રયોગ કર્યો છે. એમાં જે પાત્રોનું આલેખન થયું છે તેઓ પોતપોતાની રીતે સજાગ અને ચુસ્ત છે. કાપાલિકના પાત્રમાં તે સમયના સમાજ અને ધર્મમાં વ્યાપેલી કટુતાની સાથે સાથે સુનિયોજિત શિષ્ટાચારનું પણ અદભુત સંમિશ્રણ પ્રાપ્ત થાય છે. શાક્યભિક્ષુના પાત્રમાં તત્કાલીન બૌદ્ધ સંન્યાસીઓના ચારિત્ર્યના દોષો વ્યક્ત થયા છે. હાસ્યના વાતાવરણને જીવંત બનાવતા ઉન્મત્તકનું પાત્ર સુંદર રીતે અભિવ્યક્ત થયું છે. દેવસોમાના પાત્રમાં નારીના આદર્શો પ્રસ્તુત થયા છે. આમ અહીં  બધાં જ પાત્રો તત્કાલીન સમાજનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. પ્રહસનનાં સર્વ લક્ષણો આ પ્રહાસનમાં ચરિતાર્થ થાય છે. મત્તવિલાસ એ સંસ્કૃત સાહિત્યની અપ્રતિમ પ્રહસન કૃતિ છે.
તા.16થી 20 ઑક્ટોબર (બુધવારથી રવિવાર) સળંગ પાંચ દિવસ,સાંજે 05-30 કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સુકુમાર પરીખની પ્રેરણાથી સાતત્યપૂર્ણ સતત છઠ્ઠા વર્ષે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.