Spread the love

Gandhinagar (Gujarat), Oct 23, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આજે ૧૪મા ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કોન્ફરન્સ’નો સિવિલ ડિફેન્સ – હોમગાર્ડના ડાયરેકટર જનરલ દિલ્લી શ્રી એસ. બી. કે. સિઘ, IPS અને મનોજ અગ્રવાલ, IPS ડાયરેકટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ ગુજરાત રાજ્યની અધ્યક્ષતામાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ બે દિવસીય સંમેલન દરમિયાન પાંચ સત્રોમાં હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સને મજબૂત કરવા, ક્ષમતા નિર્માણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં તેમની ભૂમિકા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ રાજ્યો વચ્ચે સંવાદના માધ્યમ તરીકે પણ અસરકારક સાબિત થઈ છે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ દળ કેવી રીતે ઉભરતા પડકારોનો સામનો કરી શકે છે અને વ્યાપકપણે સમાજમાં જાગૃતિ લાવી શકે છે અને નવી ભાવના ફેલાવશે તેની વિસ્તૃત ચર્ચા કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.ટેક્નોલોજીના જમાનામાં આધુનિક ટેકનૉલોજી લાભ લઈ દળને સુદૃઢ અને સુચારું રૂપે સંચાલન કઈ રીતે થાય તેની વિગતવાર ચર્ચા થયેલ હતી.
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ વર્ષ ૧૯૬૨થી અત્યાર સુધી હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સને મહત્ત્વ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટની સ્થાપના 1962માં કરવામાં આવી હતી અને સિવિલ ડિફેન્સ એક્ટ 1968માં પસાર કરવામાં આવ્યો હતો. વર્ષ 1965 અને 1971નાં યુદ્ધો દરમિયાન હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણનાં સ્વયંસેવકોનાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સ સંસ્થાઓએ આવશ્યક માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવામાં, નાગરિકોને સામાન્ય તાલીમ પૂરી પાડવામાં અને સશસ્ત્ર દળો અને સ્થાનિક વહીવટના સહયોગથી તેમને સલામત સ્થળોએ સ્થળાંતર કરવા મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેથી લાંબો સમય વીતી ગયો હોવાથી સંસ્થાના ચાર્ટરમાં વર્તમાન સમયની જરૂરિયાત મુજબ સમીક્ષા કરવી અને યોગ્ય ફેરફારો કરવાની તાતી જરૂરિયાત વર્તાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગઈકાલે મહાત્મા મંદિર- ગાંધીનગર ખાતે બે દિવસીય ‘૧૪મી ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કોન્ફરન્સ’નો શુભારંભ કરાવ્યો હતો.
આ સંમેલનના સમાપન સમારોહમાં ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાય, IPS વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને બે દિવસીય આ સંમેલનમાં દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અખિલ ભારતીય સેવા આયોગના DG, ADGP, કલેક્ટર વગેરે રેન્કના 60 થી વધુ અધિકારીઓએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *