Spread the love

Ahmedabad, Oct 25, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ૧૯,૫૦,૦૦૦ દર્દી ની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી છે.
શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી અને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સંસ્થાપક ડો. નંદલાલ માનસેતાએ આજે જણાવ્યું હતું કે દર્દીઓ માટે ઘરે બેઠાં ફ્રી દવા મળી રહે તે માટે સંસ્થા દ્વારા હરતું-ફરતું દવાખાનું પણ કાર્યરત કરવામાં આવ્યું છે. દર્દી નારાયણની સેવા કરીએના સંકલ્પ સાથે Gujarat ના અમરેલી જિલ્લા ના સાવરકુંડલા ખાતે વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શરુઆત (મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ) શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા કરવામા આવી હતી. જેના આજે ૧૦ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે.
તેમણે જણાવ્યું કે શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત મલ્ટી  સ્પેશિયાલીટી હોસ્પિટલમાં અત્યારસુધી ૧૯,૫૦,૦૦૦ દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. આ આરોગ્ય મંદિરના દશાબ્દી વર્ષની ઉજવણી તેમજ આવતા સો વર્ષ સુધી શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા અવિરત સેવા કરવાનો સંકલ્પ તેમજ અમદાવાદ શહેરના જાણીતા હૃદયરોગ નિષ્ણાત ડો. રમેશ કાપડીયાના સન્માન પર્વની ઉજવણી આવતીકાલે નારાયણી રિસોર્ટ ખાતે કરવામાં આવશે.
ડો. નંદલાલ માનસેતાએ જણાવ્યું હતું કે પરમ વંદનીય પ્રાતઃ સ્મરણીય પૂ. ગાંધી બાપુ કહેતા કે કોઈપણ કાર્યની શરૂઆત કરો તો નાનામાં નાના (છેવાડા) માણસનો વિચાર કરીને અમલીકરણ કરવું જે વિચારને અનુસરી વર્ષ ૨૦૧૫થી સતત દિવસ-રાત ૨૪ કલાક અવિરત ચાલતો દર્દી નારાયણનો યજ્ઞ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પ.પૂ.વંદનીય સંત મોરારીબાપુના આશીર્વાદથી શરૂ થયો હતો. જેના દસાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આવતા સો વર્ષ સુધી શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા અવિરત નિઃશુલ્ક સેવા કરવાનો સંકલ્પ કરવામાં આવશે, તેમજ હૃદયરોગ નિષ્ણાત ડો. રમેશ કાપડિયાના સન્માન સાથે કરવામાં આવશે. વર્તમાન સમયમાં દરેક વયજૂથના લોકો હૃદયરોગની પીડાથી પીડાતા હોય છે. શહેરના જાણીતા હૃદયરોગ નિષ્ણાત ડો. રમેશ કાપડિયાની હૃદયરોગ સંબંધિત સારવારથી રાજ્યના ઘણાં લોકોને તેઓની હૃદયરોગ સંબંધિત તકલીફોમાં ફાયદો થયો છે, જેમની સારવાર પધ્ધતિની કદરનાં ભાગરૂપે તેમનું સન્માન શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.
ડો. નંદલાલ માનસેતાએ વધુમાં જણાવ્યું હતું કે આપણી ભાષાના દિગ્ગજ સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી રતિલાલ બોરીસાગર સાહેબના જૂના વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૧માં પૂ. મોરારીબાપુના હસ્તે વિદ્યાગુરૂ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનું સન્માન કરીને વિદ્યાગુરૂ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. આ વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ)માં ૧૦૮ પથારી, હૃદયરોગની ઈમરજન્સી સારવાર માટે ૧૨ આઈસીયુ બેડ કાર્યરત છે. હોસ્પીટલમાં ૩૧ વિવિધ નિષ્ણાત ડોકટરોમાં એમડી, ઓર્થોપેડીક સર્જન, કેન્સર સર્જન, આંખના સર્જન, ફિઝયોથેરાપીસ્ટ, જનરલ સર્જનનો સમાવેશ થાય છે. આ સિવાય હોસ્પીટલમાં અદ્યતન પેથોલોજી લેબોરેટરી, ડાયાલિસિસ સેન્ટર પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલ)માં ૧૯,૫૦,૦૦૦ દર્દી નારાયણની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી છે. હોસ્પીટલમાં સારવાર લેવા આવનારા દર્દીને જો દાખલ કરવામાં આવે તો તેમની રહેવા ખાવા-પીવા તેમજ જ્યારે દર્દીને રજા આપવામાં આવે છે ત્યારે તેમને ૧૫ દિવસની દવા ફ્રીમાં આપવામાં આવે છે. રોજના એક હજાર દર્દીઓ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના ઓપીડીમાં આવે છે. ગામડાંમાં વસતા ઘણા એવા દર્દીઓ હોય છે કે જેઓની પાસે હોસ્પિટલ સુધી આવવાનું ભાડું સુધ્ધા નથી હોતું, આવા દર્દીઓ માટે ઘરે બેઠાં ફ્રી દવા મળી રહે તે માટે સંસ્થા દ્વારા હરતું-ફરતું દવાખાનું કાર્યરત કરવામાં આવ્યું છે.