Spread the love

Ahmedabad, Oct 27,  Gujarat ના અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત લેખક ડૉ. રવજી ગાબાણી દ્વારા એમના  નિબંધ  ‘સગપણની વાત’નું પઠન કરવામાં આવ્યું હતું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ડૉ. રવજી ગાબાણી દ્વારા ‘સગપણની વાત’નું પઠન: પશવાદાદાના ફળિયામાં સુકાઈ ગયેલા લીમડા અને એને કાપવા આવનાર મજૂર વચ્ચેનો સંવાદ આ નિબંધનો મુખ્ય વિષય છે. સુકાઈ ગયેલો લીમડો ઉડતાં પંખીઓ અને ઘરની દીવાલ સાથેના સંવાદને સંભારીને મજૂર સાથે વાતે ચડે છે. એમાં એક વાત એવી કરે છે કે મજૂર એ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે.
વાત જાણે એમ બને છે કે વાવાઝોડાથી લીમડાની એક ડાળ તૂટી પડે છે. ગાર માટીથી બનેલાં અને મેડીબંધ મકાન ઉપર ન પડવા માટે એ વાવાઝોડા સામે ઝઝૂમે છે. છતાં ડાળ તો તૂટીને જ રહે છે. ઘરને નુકસાન થાય છે. લીમડાને દુઃખ થાય છે અને એ માટે પોતાને ગુનેગાર સમજે છે. વૃક્ષ રડી ઊઠે છે. પરંતુ બે-ત્રણ મહિના પછી પોતાની તૂટેલી ડાળને વેરાવીને એમાંથી વાંસાપટ્ટી, દાટ, દાબણીયા વગેરે બનાવીને છાપરું બનાવવામાં આવે છે ત્યારે જ એને સુખનો અનુભવ થાય છે.
આ સાંભળી મજૂર કહે છે કે આમાં તારો તો ક્યાં ગુનો જ હતો? એ તો વરસાદના કારણે બન્યું હતું.પણ  એ પછી લીમડો જે કહે છે તે ઘણું વિદારક છે. એ પશવાદાદાની વાત કરે છે. ખાટલી ઢાળીને સૂતા હતા ત્યારે કહે કે તારી દાળ તૂટી પછી મારો હાથ નકામો થઈ ગયો હતો. લેણદણ હશે કોઈ…. તો જ આમ થાય ને! અને એક દિવસ એમ જ દાદા ગામતરું કરી ગયા. સાથે કહેતા ગયા કે વાડામાં પડેલી લીમડાની ડાળથી જ મારી દેનક્રિયા કરજો. લીમડો મજૂરને કહે છે કે મારી ડાળી તૂટી તો એમનો હાથ ગયો અને હવે એ ગયા તો મારેય…
ભાવુક બનેલો લીમડો મજૂરને કહે ભાઈ, ઊઠ અને કામ કર તારું!
આ રીતે લીમડા અને દાદા વચ્ચે રહેલા લાગણીના તંતુને વણીને વૃક્ષ અને મનુષ્યના સંબંધની વાત આ નિબંધમાં કરવામાં આવી છે.

આ કાર્યશાળામાં જાણીતા બાળસાહિત્યકાર નટવર પટેલ, નટવર આહલપરા, સંતોષ કરોડે, અશોક નાયક, અરવિંદ બારોટ, મનહર ઓઝા, ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, ડો. હર્ષદ લશ્કરી, નિર્મળા મેકવાન, સલિલ મહેતા, રા.સુ. અસારી, અશોક સોમપુરા, ણહીરલ વ્યાસ, અર્ચિતા પંડ્યા, પારૂલ બારોટ, રાધિકા પટેલ, પૂર્વી શાહ, તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *