Spread the love

Gandhinagar, Gujarat, Oct 31, ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે.
સરકારી સૂત્ર વિપુલ ચૌહાણએ આજે જણાવ્યું કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આલ્કોહોલ ડિટેક્શન માટે ગુજરાત પોલીસ હસ્તકની નરોડા સ્થિત ડોગ ટ્રેનિંગ સ્કુલ ખાતે પોલીસના સિનિયર ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડ દ્વારા આદ્રેવને ખાસ તાલીમ આપવામાં આવી છે. ૯ માસની તાલીમ પૂર્ણ કરીને પાસ થયેલા આદ્રેવે તાજેતરમાં રાજકોટની ઢેબર કોલોની ખાતે એક મકાનમાંથી દારૂ બનાવવા વપરતો ઠંડો આથો શોધી કાઢ્યો છે.
રાજકોટની ભક્તિનગર પોલીસે આદ્રેવને જ્યા અગાઉ પ્રોહિબિશનના કેસો થયા હોય તેવા ઢેબર કોલોની મફતીયાપરા ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યા એક મહિલાના ઘરમાંથી ઠંડો આથો શોધી આદ્રેવે તેના ડોગ હેન્ડલરને ઘરમાં સંતાડવામાં આવેલા સંદિગ્ધ મુદ્દામાલ અંગે સંકેત આપ્યો હતો. જેને આધારે આ મકાનમાંથી મુદ્દામાલ પકડી પાડી મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નોંધનીય બાબત છે કે, ‘આદ્રેવ’ ડોગ એ પ્રથમ આલ્કોહોલ ડિટેક્શન ડોગ છે, જે બુટલેગરો દ્વારા ઘર, ગાડી કે જમીન સહિત કોઇપણ સ્થળે યુક્તિપૂર્વક ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલા આલ્કોહૉલને શોધી લેશે. આલ્કોહોલ કે તેને સંલગ્ન કોઇ સામગ્રીની સુગંધ પરખતા જ ડોગ પગના પંજા મારીને કે બાર્કીંગથી ડોગ હેન્ડલરને આલ્કૉહોલ અંગે સંકેત આપી દેશે. ગુજરાત પોલીસ તેનો મહત્તમ ઉપયોગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *