Ahmedabad, Nov 24, Gujarat ના અમદાવાદમાં વાર્તાકાર વિષ્ણુ ભાલિયા દ્વારા એમની વાર્તા ‘અગિયારી’નું પઠન કરવામાં આવ્યું હતું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ‘પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર વિષ્ણુ ભાલિયા દ્વારા એમની વાર્તા ‘અગિયારી’નું પઠન કરવામાં આવ્યું હતું.
દરિયા કાંઠે ભંગાર પડેલાં વહાણના મુખે કહેવાયેલી આ વાર્તાનો નાયક સંજય એક વહાણમાં ખલાસી તરીકે કામ કરતો હોય છે. પંદર દિવસમાં એક દિવસ વહાણ જેટી પર પરત ફરે અને એ રીતે પરિવાર સાથે અગિયારીની રજાએ રહેવા મળે. સંજયને અગિયારી પૂરી થતાં વહાણમાં પરત ફરવાનું હતું, પણ એ તો દારુ પીને આ ભંગાર પડેલાં વહાણ પર આવી ગયેલો. હકીકતમાં તો એ જે વહાણ પર દારુ પીને પડ્યો હતો એ વહાણ પર જ એ ખલાસી તરીકે પેટવડિયું કરી કામ શીખ્યો હતો. એ વખતે તો એનામાં સ્ફૂર્તિ અને જોમ ભરેલાં. દારુને તો અડતો પણ નહીં. પરંતુ એક વખત બે વહાણની અથડામણ થતાં એના જમણાં હાથની આંગળી તૂટી ગઈ હતી. એ પછી એની દોરડાં ખેંચવાની કે સથા પર માછલાં વીણવાની શક્તિ સાવ નબળી પડી ગઈ હતી. એ પછી સંજયને આજે પોતાના પર દારુ પીધેલી હાલતમાં પોતાની જેમ નકામો થઈ ગયેલો જોઇ ભંગાર વહાણ દુઃખી થાય છે.
એ દરમિયાન પત્નીનો મોબાઈલ ફોન આવતાં ખ્યાલ આવે છે કે સંજયને પત્ની શોધી રહી છે. સાથે વહાણ માલિક પણ શોધી રહ્યો છે. પત્નીને પોતાનો સંસાર ચલાવવાની ચિંતા છે ને વહાણ માલિકને પોતાના ધંધાની! છેવટે એક ટેમ્પો અને પત્ની વહાણ પરથી સંજયને લઈ જઈને વહાણમાં ધકેલી દે છે. અગિયારીનો એક દિવસ સંજયની નિયતિનું બયાન કરે છે.
વાર્તાની ભાષા, પરિવેશ અને કથનશૈલી ‘અગિયારી’ને અન્ય વાર્તાથી જરા હટકે બનાવે છે. આ કાર્યશાળામાં પરિષદ પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી અને પૂર્વ ઉપપ્રમુખ પ્રફુલ્લભાઇ રાવલની વિશેષ ઉપસ્થિતમાં પાર્થ મહાબાહુ ભરત જોષી, સંતોષ કરોડે, સૌમિત્રા ત્રિવેદી, પૂર્વી શાહ, ચિરાગ ઠક્કર, ડો. હર્ષદ લશ્કરી, નિર્મળા મેકવાન, હીરલ વ્યાસ, સ્વાતિ શાહ, અર્ચિતા દીપક પંડ્યા, ગિરિમા ઘારેખાન, આઇ.જી. ઝાલા, નીરવ ગોહિલ, ભાર્ગવ સોલંકી તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.