Ahmedabad, Gujarat, Jan 08, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૬માં અધિવેશનમાં આજે પ્રોત્સાહક ઉપસ્થિતિ રહ્યા હતાં.
શ્રી પટેલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૬માં અધિવેશન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ રાજ્યની છાત્ર શક્તિ નવનિર્માણથી રાષ્ટ્રના પુન : નિર્માણમાં સૌથી આગળ રહે એ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં દેશની યુવા શક્તિ પર ભાર મૂક્યો છે, ત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રી એ વ્યક્ત કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશે વાત કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સ્થાપનાથી લઈને જ્ઞાન, ચરિત્ર અને એકતાના સૂત્ર સાથે યુવાનોમાં રાષ્ટ્રનિર્માણના સંસ્કારોનું સતત સિંચન કર્યું છે. એટલું જ નહીં, છાત્રશક્તિ રાષ્ટ્રશક્તિ બને એવા ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અનેક પ્રકલ્પોનું સંચાલન પણ કરતુ આવ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશાંથી કહેતા આવ્યાં છે કે, દેશનો વિકાસ અને દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે, ત્યારે દેશના યુવાનો નેશન ફર્સ્ટનો મંત્ર અપનાવશે તો ભારતનો વિકાસ સતત થતો રહેશે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી મોદી દ્વારા છેલ્લા દસ વર્ષમાં દેશના યુવાનો માટે સુદ્રઢ ઇકો સિસ્ટમનું નિર્માણ કર્યું છે. એટલુ જ નહી, દેશના યુવાનો માટે સ્કીલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટ અપ, એજ્યુકેશન, સ્પોર્ટસ અને ઇનોવેશનને પ્રોત્સાહન માટે વિવિઘ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાતમાં થયેલા યુવા વિકાસની વાત કરતા એમણે કહ્યું કે, શ્રી મોદીએ એ ગુજરાતમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની પહેલ કરી હતી, જેના કારણે રાજ્યમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ઊભી થઈ છે. એટલું જ નહી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત ચાર વર્ષથી સમગ્ર દેશમાં અગ્રણી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી એ વન નેશન વન સબસ્ક્રીપ્શનની વાત કરતા કહ્યું કે, વડાપ્રધાનએ દેશના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાનો અને ઇનોવેશનને પ્રોત્સાહન મળે તે માટે ‘વન નેશન વન સબસ્ક્રીપ્શન’ની એક આગવી પહેલ કરી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વામી વિવેકાનંદજીના વિચારો દ્રઢતાપૂર્વક માને છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે, કોઇ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ન હોય તેવા ૧ લાખ જેટલા યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે રાજનીતિમાં જોડવા છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, ૧૨ જાન્યુઆરી એ રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે વડાપ્રધાન દેશના યુવાનો સાથે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ કરવાના છે, ત્યારે મોટી સંખ્યામાં યુવાનો યંગ લીડર્સ ડાયલોગમાં સહભાગી બનશે તો આ કાર્યક્રમને ખૂબ મોટો વેગ મળશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના ૫૬મા અધિવેશનમાં પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી દેવધર જોશી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડૉ.લક્ષ્મણભાઈ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના સ્થાયી કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.