Ahmedabad, Gujarat, Jan 13, ગુજરાત ના અમદાવાદમાં પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર દીના પંડ્યા દ્વારા એમની વાર્તા ‘વેશાંતર’નું પઠન કરવામાં આવ્યું હતું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૧/૦૧/૨૦૨૫ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે વાર્તાકાર દીના પંડ્યા દ્વારા એમની વાર્તા ‘વેશાંતર’નું પઠન કરવામાં આવ્યું હતું.
આસપાસ જામેલા પથ્થરો વચ્ચે એક મોટો સફેદ પથ્થર અને એક નાનો કાળો પથ્થર પણ હોય છે. સફેદ ઠંડી અને તડકાની આવન-જાવન સહન કરી શકતો નથી. જ્યારે કાળાને પ્રાપ્ત પરિસ્થિતિમાં આનંદ છે. એક દિવસ બંને એક વાહનમાં ખડકાઈને એક ઓરડા આગળ પહોંચે છે. સફેદ કોઈ સુગંધી ઓરડામાં અને કાળો સામેની એક કાંટાળી વાડમાં આવી પડે છે.
સવારે એક માણસ સફેદ પથ્થર સામે હાથ જોડી હોઠ ફફડાવતો હોય છે. કાળો એ માણસનો ભાવ સમજી શકે છે, પણ સફેદને તો એ બબડાટ લાગે છે. બંને વચ્ચે નાના-મોટા બાબતનો વિસંવાદ થાય છે.
બીજા દિવસની સવારે સફેદ પથ્થર ચીસ પાડી ઊઠ્યો. એ પછી મહિનાઓ સુધી તેના પર છીણી-હથોડી ચાલી. કાળિયાએ એને રાતે ઓરડો છોડી જવાની સલાહ આપી, પણ એ રાત્રે ચમકતી વીજળી અને વરસાદને કારણે બહાર ન જઈ શક્યો. પરંતુ એ વીજળીના પ્રકાશમાં એને પોતાના રૂપનું દર્શન થયું. સફેદ પોતાના પર જ મુગ્ધ થઈ ગયો.
એ દિવસની સવારે સફેદને એક શણગારેલા રથમાં અને કાળિયા સહિતના અન્ય પથ્થરોને એક લારીમાં લઈ જવામાં આવ્યા.પછી તો સફેદ દેવ બનીને મંગળાથી શયન સુધીના ઉપહાર પામવા લાગ્યો. દુઃખીઓની માનતા પૂરી કરી પૂજાવવા લાગ્યો. ચમત્કારી બની ગયો. એનું પથ્થરપણું ધીરે ધીરે ઓગળવા માંડ્યું. તે મનોમન બોલે છે: ‘આ તો મારો કેવો વેશાંતર જગતના નાથ! કાળીયો એ જોઈને કહે: ‘ભાઈ, હું તો એનો એ જ રહ્યો પણ તમે ભગવાન બનીને પથરાપણું ગુમાવી બેઠા. એના જવાબમાં સફેદ પથ્થર કહે છે કે મારો ‘હું’ ખોવાતો ગયો, તેથી જ પ્રસન્નતા પામ્યો. નરી જડતાને વરેલા કાળિયા પથ્થરે સફેદની ભીતર ઝળહળી રહેલા જ્યોતિપુંજને નમસ્કાર કર્યા. અહીં વાર્તા પૂરી થાય છે.
બે પથ્થરોના મનોભાવને વ્યક્ત કરતું વિષયવસ્તુ આ વાર્તામાં કેન્દ્રસ્થાને છે.આ કાર્યશાળામાં જાણીતા સાહિત્યકાર પ્રફુલ્લ રાવલ અને પરબના સંપાદક કિરીટ દૂધાતે વાર્તા વિશે પોતાનાં મૂલ્યવાન અભિપ્રાયો આપવા સાથે વિગતે વાત કરી હતી. આ ઉપરાંત જાણીતા સંશોધક રસિલા કડિયા, મનહર ઓઝા, ચેતન શુક્લ, ચિરાગ ઠક્કર, ડો. હર્ષદ લશ્કરી, નિર્મળા મેકવાન, મુકુલ દવે, ઉર્વશી શાહ, પૂર્વી શાહ, રેના સુથાર, સ્વાતિ રાજીવશાહ, મનીષા દલાલ, મિતા મેવાડા,ભારતી સોની, લાલુભા ચૌહાણ, રત્નાકર મહેતા તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંકલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.