Ahmedabad, Gujarat, Jan 14, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મકરસંક્રાંતિના પાવન દિવસે આજે ગુજરાતના અમદાવાદમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન તથા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપી હતી.
આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ અને 920 પોલીસ પરિવાર માટેના 13 માળના 18 બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે.
રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈનનું નિર્માણ અમદાવાદમાં થશે. ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સદાય તત્પર રહેતા કર્મનિષ્ઠ પોલીસકર્મીઓના પરિવારોને માટે 2-BHK (૫૫ ચો.મી.) આવાસ ઉપલબ્ધ થશે.
આ અદ્યતન પોલીસ લાઈનમાં પોલીસકર્મીઓના પરિવારને 930 કાર માટેનું બેઝમેંટ પાર્કિંગ, બે લિફ્ટ, ઓપન ગાર્ડન, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલાર રૂફટોપ, ઇલેક્ટ્રિસિટી બેકઅપ સહિતની ઉત્તમ અને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે.
જીવન-જરૂરી સામાન ઘર આંગણે જ મળી રહે તે માટે ટાવરમાં 10 દુકાનો પણ બાંધવામાં આવશે. જ્યાં રોજબરોજની ચીજવસ્તુઓ જેમકે, શાકભાજી, દૂધ તથા તેની બનાવટની અન્ય સામગ્રીઓ, હેર-સલૂન, એ.ટી.એમ., અનાજ દળવાની ઘંટી તથા પોલીસ પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં અહીં CPC કેન્ટિન પણ તૈયાર કરવાનું આયોજન છે.
13 માળના 18 ટાવરમાં પ્રાથમિક સુવિધાઓ જેમકે, રસોડું, એક અટેચ અને એક કોમન ટોઇલેટ તથા અન્ય સુવિધાઓ સાથે ફર્નિશ્ડ આવાસ આપવામાં આવશે.
રાજ્યમાં શહેર પોલીસ તંત્રની સૌથી મોટી પોલીસ લાઈનની વિશેષતા છે કે ઈનબિલ્ડ પોલીસ સ્ટેશન, જે 18 બ્લોકમાંથી એક બ્લોકના 2 માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત ભાઇ શાહ ના હસ્તે ભૂમિ પૂજન થયેલી આ પોલીસ લાઈનનું નિર્માણ થવાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજયના પોલીસ કર્મીઓને સુવિધાજનક રહેણાંક અને આધુનિક આવાસીય સુવિધા આપવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં વધુ એક સોપાન ઉમેરાશે.
આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તથા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલ્લિક, ગૃહ સચિવ નીપુણા તોરવણે અને અમદાવાદ શહેર પોલીસ ના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.