Spread the love

Gandhinagar, Gujarat, Jan 13, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગુજરાત ના ગાંધીનગર ખાતે ૧૦૮ શાખા સાથે ‘સંઘ શતાબ્દી સંગમ’ યોજાયો.
વિશ્વ સંવાદ કેંદ્ર ગુજરાત તરફથી આજે જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-સ્થાપનાના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૧૨ જાન્યુઆરી ‘યુવા દિવસ’ના રોજ ગુજરાત માં રામકથા મેદાન, ગાંધીનગર ખાતે ભવ્ય ‘સંઘ શતાબ્દી સંગમ’ યોજાયો. જેમાં ગાંધીનગર શહેર વિસ્તારમાંથી ૧૦૮ શાખાઓમાં ઉપસ્થિત ૨,૦૦૮ સ્વંયસેવકોએ સહભાગી થ‌ઈને સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ના નારા સાથે ગુંજવી દીધું હતું.
સંગમમાં પ્રથમવાર નવતર પહેલના ભાગરૂપે ૩૪ દિવ્યાંગ સ્વંયસેવકો તેમજ ૫૮ માતૃ શક્તિ-બહેનોની પણ એક અલગથી શાખા લગાવવામાં આવી હતી. આ સંગમમાં ગુજરાત પ્રાંતના સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલ તેમજ ગાંધીનગર શહેર વિસ્તારના સંઘચાલક શ્રી શંકરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિભાઈ ભાડેસીયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના ઈતિહાસમાં એક સાથે એકજ મેદાન ઉપર ભગવા ધ્વજ સાથે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ૧૦૮ શાખા લગાવવાનું આયોજન કરાયું તે સમગ્ર હિન્દુ સમાજની સંગઠિત શક્તિ અને કાર્યકર્તાઓની રાષ્ટ્ર પ્રત્યેની સમપર્ણ ભાવના દર્શાવે છે. સંઘ દ્વારા દરેક ૧૦ હજારની વસ્તીને એક વસ્તી જાહેર કરવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગર શહેર વિસ્તારને ૭૨ વસ્તીમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આજના સંગમમાં તમામ વસ્તીની ઉપસ્થિત એ સૌ માટે ગૌરવની ક્ષણ છે. આજે દેશભરમાં ૭૮૦૦૦ થી વધુ દૈનિક શાખા, ૧૮૦૦૦ વધુ સાપ્તાહિક મિલન તેમજ ૧૬૦૦૦ વધુ માસિક મિલન, ૩૨ થી વધુ વિવિધ સંગઠનો સહિત વિશ્વના ૨૦ દેશોમાં સંઘના સ્વંયસેવકો ભારતમાતાની આરાધના કરી રહ્યા છે. આ ઉપરાંત સંઘ દ્વારા દેશભરમાં અંદાજે ૨,૦૦૦થી વધુ સેવા કાર્ય ચાલી રહ્યા છે.
ડૉ. ભાડેસીયાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ તેના ૧૦૦માં વર્ષની ઉજવણી નિમિતે સમાજની સજ્જન શક્તિના સહયોગથી પાંચ બિંદુઓના આધારે સમાજ પરિવર્તન – સેવા માટે કાર્ય કરી રહ્યો છે. આ પંચ પ્રણ- પરિવર્તનમાં પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્યબોધ, સામાજિક સમરસતા અને સ્વદેશીનો સમાવેશ થાય છે. આજે દેશ વૈશ્વિક આતંકવાદ, ખરાબ પર્યાવરણ, ભાષા -પ્રાંતવાદ અને સંસ્કારનો અભાવ જેવા મુખ્ય સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે. આ માટે દેશ વિરોધી તત્વો દ્વારા દેશને તોડવા નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે.
આ નેરેટિવ સામે સમાજની સજ્જન શક્તિએ દેશહિતમાં વધુ જાગૃત થવાની જરૂર છે. આ વિચારને વધુ ચરિતાર્થ કરવા શ્રી સ્વામિનારાયણ પરિવાર, ગાયત્રી પરિવાર, આર્ટ ઓફ લિવિંગ, રામકૃષ્ણ મિશન, સ્વાધ્યાય પરિવાર સહિત અનેક સંગઠનો ખૂબ નોંધનીય કામગીરી કરી રહ્યા છે.
ગાંધીનગર શહેર વિસ્તારના સહ કાર્યવાહ ડૉ. ભાવિક પટેલે સંઘ શતાબ્દી સંગમને સફળ બનાવવા કરાયેલા આયોજન અંગે વિગતો આપી હતી.
મુખ્ય સ્ટેજની સામે ભારતીય બંધારણની પ્રતિકૃતિ, ભારત માતાની પ્રતિમા, સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા, આઝાદીના લડવૈયાઓ, ગૌ સેવા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિવિધ સેવા કાર્યો દર્શાવતી જાહેર પ્રદર્શની પણ નગરજનોએ રસ પૂર્વક નિહાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *