Spread the love

Gandhinagar, Gujarat, Jan 20, ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓ- અધિકારીઓ માટેના આવાસીય પરિસરમાં સરસ્વતી સદનમ્ (કોમ્યુનિટી હૉલ) અને ‘એશ્વર્યમ્’માં 32 આવાસનું આજે લોકાર્પણ કર્યું હતું.
શ્રી દેવવ્રતએ રાજભવન સ્ટાફ પરિવારને દિવ્ય-ભવ્ય આવાસ અર્પણ કરતાં આ આવાસમાં નિવાસ દરમિયાન સૌનું જીવન સુખમય, શાંતિમય અને સંપૂર્ણ સ્વસ્થ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.
એમણે રાજભવન પરિવારના સૌ સભ્યો અને તેમના પરિવારજનો ને સંપીને-એક પરિવારની જેમ રહેવા, આવાસીય પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને બાળકોના વિકાસ માટે સારું શિક્ષણ અને સંસ્કારી વાતાવરણ આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજભવન આવાસીય પરિસરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવાની જવાબદારી અહીં વસતા પરિવારોની છે. આ પરિસરને એવું આદર્શ અને આખા રાજ્ય માટે ઉદાહરણીય બનાવો કે બહારના લોકોને આ પરિસરની મુલાકાત લેવાનું અને પ્રેરણા લેવાનું મન થાય.
રાજભવન આવાસીય પરિસરમાં રૂપિયા 48.04 કરોડના ખર્ચે છ-ટાઈપના 96 આવાસ અને ઘ-ટાઈપના 32 આવાસનું નિર્માણ કરાયું છે. 300 લોકોની ક્ષમતાવાળા કોમ્યુનિટી હૉલ-સરસ્વતી સદનમ્ નું પણ નિર્માણ કરાયું છે. આ પરિસરમાં અદ્યતન દવાખાનું પણ કાર્યરત છે.
રાજ્યપાલએ જર્જરીત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના પુનનિર્માણ કાર્યનું વર્ષ 2022 માં ભૂમિ પૂજન કર્યું હતું. તેમણે અંગત રસ લઈને કામની ઝડપ અને કામની ગુણવત્તા બંને માટે વિશેષ કાળજી લીધી હતી. વર્ષ 2023 માં 17મી સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાના કામનું સમાપન થતાં કર્મચારીઓને નવા આવાસો મળ્યા હતા. હવે બીજા તબક્કામાં 32 આવાસનું નિર્માણ અને લોકાર્પણ કરાયું છે.
રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને ‘એશ્વર્યમ્’ નામ આપવામાં આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, અહીં નિવાસ કરતા પરિવારો વિચાર, સંસ્કાર અને સંપત્તિથી ઐશ્વર્યવાન બને એવી વિભાવના છે.
સરસ્વતી સદનમ્ ના પ્રવેશદ્વાર પર તકતીનું અનાવરણ કરીને રાજ્યપાલએ આવાસીય પરિસર અને સરસ્વતી સદનમ્ નું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે એમના પત્ની દર્શનાદેવી, રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા અને માર્ગ-મકાન વિભાગના અધિક સચિવ અને મુખ્ય ઇજનેર પતંજલિ મિશ્રા તથા માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ અને રાજભવન સ્ટાફના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *