Spread the love

Ahmedabad, Gujarat, Jan 21, ગુજરાત માં અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રી પટેલે નવનિર્મિત ઑક્સિજન પાર્કની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે એમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો, આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે.
આ ઉપરાંત વિવિધ જાતોના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સફેદ ચંપા, નાળિયેરી, મોગરા, મધુકામિની, બોરસલી, બીલીપત્ર, ગરમાળો, પીન્ટુ ફોરમ, લીમડો, બદામ, ગુલમહોર, સાગ, કેસુડો, કેસિયા ગુલાબી સહિતના અનેક વૃક્ષોનું વાવેતર કરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મીલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કુલ 319 જેટલા ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29 અને પશ્રિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
તેવી જ રીતે શહેરમાં આવેલા ગાર્ડન અને વર્ટિકલ ગાર્ડનની વાત કરીએ તો કુલ 303 જેટલા ગાર્ડનનો સમાવેશ થાય છે જેમાં મધ્ય ઝોનમાં 20, પૂર્વ ઝોનમાં 28, ઉત્તર પશ્રિમ ઝોનમાં 28, ઉત્તર ઝોનમાં 43, દક્ષિણ પશ્રિમ ઝોનમાં 29, દક્ષિણ ઝોનમાં 31, પશ્રિમ ઝોનમાં 81 અને રિવરફ્રન્ટ વિસ્તારમાં 5 મળી કુલ 303 ગાર્ડનનો સમાવેશ થાય છે.
જે અંતર્ગત ચાલુ વર્ષે પણ શહેરની ગ્રીનરીમાં વધારો થાય અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે.
આ પ્રતિબદ્ધતા ને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વધુ એક ઓકિસજન પાર્ક નું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન સહિત મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ – પદાધિકારીઓ તથા કોર્પોરેટરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *