Ahmedabad, Gujarat Feb 01, ગુજરાત ના અમદાવાદમાં આજરોજ ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ કેન્સર દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ‘યુનાઇટેડ બાય યુનિક’ કેન્સર હિરોઝ, આપણી વચ્ચે કાર્યક્રમ સરદાર સ્મારક અમદાવાદ ખાતે યોજાયો હતો.
જેમાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનર હર્ષદભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
કેન્સર ક્ષેત્રે જાગૃતિ લાવવાના મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખીને આયોજન કરેલ આ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ કેન્સર હીરોઝ સહભાગી થયા હતા. જેમાં ઘણા કેન્સર હીરોઝ એ કેન્સરને માત આપી તે અંગે પોતાના અનુભવી વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કેન્સર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા, સાથેજ કહ્યું હતું કે આપ સૌ સમાજમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવા માટે લોકોમાં પ્રેરણા પૂરી પાડો છો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાતના અમદાવાદ સિવાય અન્ય ત્રણ શહેરોમાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અંતે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન ૩૮ હજાર લોકોનું નિશુલ્ક સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને કેન્સર ક્ષેત્રે સેવા અને જાગૃતિ લોકો સુધી પહોંચાડવામાં આ સંસ્થા અગ્રેસર છે તે બદલ હું સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન એ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ. શશાંક પંડ્યાએ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારત દેશના દરેક રાજ્યમાંથી કેન્સરના દર્દીઓએ આ સંસ્થામાં કેન્સરની સારવાર લીધી છે, સાથેજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કાર્યરત આયુષ્માન યોજનાનો લાભ પણ લીધો છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીસીઆરઆઈના પૂર્વ ડાયરેક્ટર અને પદ્મશ્રી ડો. પંકજ શાહ, જનરલ સેક્રેટરી અને ગુજરાત કેન્સર સોસાયટીના ગવર્નિંગ બોર્ડ સભ્ય ક્ષિતિજભાઈ શાહ, અન્ય બોર્ડ મેમ્બર દિવ્યેશભાઈ રાડીયા, જી સી આર આઈના ડોક્ટર્સ, અન્ય સ્ટાફ અને કેન્સર વિજેતાઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.