Spread the love

અમદાવાદ, 17 મે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 17મા સ્થાપના દિનની ઉજવણી એક ગરિમાપૂર્ણ સમારોહમાં ગઈકાલે યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમારોહના અધ્યક્ષપદે કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જર તથા અતિથિવિશેષ પદે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડો.રઘુવીર ચૌધરી, ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશનના સચિવ પ્રો.રાજીવકુમાર, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો.હર્ષદ પટેલ અને જી.સી.સી.આઈ.ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તથા એસ્ટ્રલ પાઈપના સંસ્થાપક સંદીપ એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા. સમારંભનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.તે પછી યુનિવર્સિટી સોંગ ઉપસ્થિત સૌએ સાથે મળીને પ્રસ્તુત કર્યું હતું. આ પછી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા યુનિવર્સિટીના કુલસચિવ ડો.કે.એન.ખેરે જણાવ્યું હતું કે આ દિવસ આપણા સૌ માટે સિદ્ધિઓને વાગોળવાનો અને નવા સંકલ્પો લેવાનો દિવસ છે.

અતિથિવિશેષપદેથી  ઉદ્દબોધન કરતા પદ્મશ્રી રઘુવીર ચૌધરીએ જણાવ્યું હતું કે આ કેમ્પસમાં હું ફરીવાર આવું છું એનો આનંદ છે. અહીંનું સુંદર વાતાવરણ અને આપ સહુની વિશાળ ઉપસ્થિત થી હું પ્રભાવિત થયો છું. રઘુવીર ચૌધરીએ વિશેષમાં ઉમેર્યું તમારા યુનિવર્સિટી સોંગમાં જે વર્ણન કરાયું એ અનુસારની ઉત્તમતા તમારી યુનિવર્સિટી પ્રાપ્ત કરે એવી હું શુભેચ્છા પાઠવું છું.અંતમા તેઓએ યુનિવર્સિટી જ્યારે બોલાવશે ત્યારે પોતે આવશે એવી ખાતરી આપી હતી.

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો.હર્ષદ પટેલે મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરતા જણાવ્યું હતું કે હું રઘુવીર ચૌધરીનો શિષ્ય છું અને મેં એકવાર તેમની સાથે કેવડિયા કોલોનીનો પ્રવાસ કર્યો હતો ત્યાં હું સતત તેમની સાથે રહ્યો એ પછી તેઓએ સદરહુ પ્રવાસ અંગે એક દૈનિકમાં લેખ લખ્યો એ વાંચીને મને એવું લાગ્યું કે હું સતત રઘુવીરભાઈ સાથે હોવા છતાં તેઓને જે દેખાયું હતું તેમાંનું કશું મને દેખાયુ નહોતું.સર્જક પાસે જે દ્રષ્ટિ હોય છે તે કંઈક અલગ અને અનેરી હોય છે.

વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 17 વર્ષની ટૂંકી યાત્રામાં શું શું મેળવ્યું છે એ મહત્વનું છે.કોઈપણ યુનિવર્સિટીનુ મહત્વનું અંગ પ્રાધ્યાપકો છે.તેમની દ્વારા અપાતું શિક્ષણ મહત્વનું છે.ઉત્તમ શિક્ષક આને શ્રેષ્ઠ શિક્ષણ એ આપણા વિદ્યાર્થીઓની કરોડરજ્જુ છે.યુનિવર્સિટીની યાત્રા બહુ લાંબી હોય છે.સ્પેનની એક યુનિવર્સિટી 945 વર્ષ જુની છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી 930 વર્ષ જુની છે.આ રીતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પણ લાંબી યાત્રા પછી નામના મેળવશે.અંતમા તેઓએ ગોલ્ડ મેડાલીસ્ટ અને પીએચ.ડી.ની ડીગ્રી મેળવનારને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશનના સચિવ પ્રો.રાજીવકુમારે જણાવ્યું હતું કે કોઈ પણ યુનિવર્સિટી માટે 17 વર્ષનો ગાળો બહુ મોટો ન ગણાય તેમ છતાં ય હું અહીં આવું છું ત્યારે કશુંક શીખીને જાઉં છું એવું આ યુનિવર્સિટીનું વાતાવરણ છે.