~૧૦ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું
Jamnagar, Gujarat, Apr 23, ગુજરાત મા જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં શ્રી ઠક્કરએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા.
તાલુકા સ્વાગતમાં અરજદારોના ૧૦ પ્રશ્નો પૈકી ૮ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. જે પ્રશ્નોમાં કોર્પોરેશન વિસ્તારના રાજમોતી ટાઉનશીપમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન, ગેર કાયદેસર બાંધકામ દુર કરાવવું, લાઈટબીલને લગત રજૂઆત, રસ્તાનું દબાણ દુર કરવા અંગે, ન્યુ જામનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ અંગે, વેચાણ નોંધ કરાવવા બાબતનો પ્રશ્ન, નિરાધાર વૃદ્ધ સહાય મળવા બાબત, ગંગા સ્વરૂપા આર્થિક સહાય મળવા બાબત વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.
અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટરશ્રી કેતન ઠક્કરે જાગૃત નાગરિક પ્રત્યેની જવાબદારી નિભાવવા બદલ અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાકીય લાભો વિષે પણ જાણકારી આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે બદલ અરજદારશ્રીઓએ કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં શહેર પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર સહીત તાલુકા સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
3 મહિના જુના ભૂગર્ભ ગટરના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કલેકટરશ્રીનો આભાર: અરજદાર (તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ): જામનગર જીલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જામનગર શહેર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ન્યુ જામનગર સોસાયટીમાં રહેતા રહેવાસીઓએ ભૂગર્ભ ગટર છલકાવવાના પ્રશ્ન બાબતે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. અને કલેકટરશ્રીએ તેમનો પ્રશ્ન સાંભળી હકારાત્મક નિરાકરણ લાવ્યું હતું.
ન્યુ જામનગર સોસાયટીમાં રહેતા મહિલાએ જણાવ્યું હતું કે તેઓની સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી ભરાઈને બહાર નીકળવાનો પ્રશ્ન હતો. જેના પરિણામે મચ્છર અને દુર્ગંધ ફેલાતી હતી. માટે કલેકટરશ્રીને રજૂઆત કરતા આ પ્રશ્નનું ૭ દિવસમાં કાયમી નિરાકરણ આવી જશે તેમ જણાવ્યું છે. તે બદલ અમે સંતોષ વ્યક્ત કરીએ છીએ અને કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફળશ્રુતિ: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં થયેલા વિલંબનું ત્વરિત નિરાકરણ લઇ આપવા બદલ તંત્રનો આભાર વ્યક્ત કરતા રેખાબેન: જામનગરમાં રહેતા શ્રી રેખાબેન ચાગલાણીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે અરજી કરી હતી પરંતુ ટેકનીકલ ક્ષતિના લીધે સહાય મળવામાં વિલંબ થયો હોવાથી તેઓએ જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. કલેકટરશ્રી કેતન ઠક્કરે તેમનો પ્રશ્ન સાંભળીને ત્વરિત નિરાકરણ લાવ્યું હતું. આ સાથે જ તેઓએ રોજગારી માટે પણ વિનંતી કરતા જીલ્લા કલેકટરશ્રીએ સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરાવી મહિલા આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે તેઓને મદદ કરવા માટે લગત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. અને અન્ય સરકારી યોજનાઓ વિષે પણ સમજુતી આપી હતી.
શ્રી રેખાબેન જણાવે છે કે, કલેકટરએ ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજનાની સહાય ઉપરાંત અંગત રસ દાખવીને હું આત્મનિર્ભર થઇ શકું તે માટે રોજગારલક્ષી યોજનાઓ વિષે મને સમજુતી આપીને મને જરૂરી તમામ મદદ પૂરી પાડવા બદલ ખાતરી આપી છે. તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થી વિધવા મહિલાઓના ખાતામાં માસિક રૂ.૧૨૫૦ની સહાય સીધી જમા થાય છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાતે વિધવા મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત આ કલ્યાણકારી પહેલને વિસ્તૃત કરીને સમગ્ર ભારતમાં મહિલાઓ માટે સશક્તિકરણ, સમાનતા અને પ્રગતિનું એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે.
