~ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે NDRF, SDRF અને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી બચાવ, સ્થળાંતર અને ટ્રાફિક વ્યવસ્થાપન સહિત વ્યાપક પૂર્વતૈયારીઓ હાથ ધરી.

Gandhinagar, Gujarat, July 30 (VNI): ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોના જાનમાલની સુરક્ષા માટે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી પૂર્વતૈયારીઓ શરૂ કરી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય વિડિયો કોન્ફરન્સમાં તમામ શહેર, જિલ્લા અને રેન્જ પોલીસ વડાઓને સતર્ક રહી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.
પૂર અને બચાવ કામગીરી માટે બોટ, યાંત્રિક સાધનો તથા અન્ય જરૂરી સંસાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. NDRF અને SDRFની ટીમો સાથે સંકલન સાધી સ્થાનિક પોલીસને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકો તેમજ પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે મળીને સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે.
રાજ્યમાં વાહનવ્યવહાર સરળ રહે તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક પોલીસની વિશેષ તૈનાતી કરવામાં આવી છે. બંધ પડેલા વાહનોને ખસેડવા માટે ક્રેનની વ્યવસ્થા તેમજ જરૂરિયાત મુજબ વૈકલ્પિક માર્ગોની પણ તૈયારી રાખવામાં આવી છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્ક મારફતે નાગરિકોને જર્જરિત મકાનો, વીજ થાંભલા તથા નદી-નાળાથી દૂર રહેવા સતત અપીલ કરવામાં આવી રહી છે.
સ્થળાંતરિત નાગરિકો માટે બનાવાયેલા રાહત કેન્દ્રોમાં ખોરાક, શુદ્ધ પીવાનું પાણી, વીજળી અને મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવા જિલ્લા કંટ્રોલ રૂમોને 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે, જે ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. સંદેશાવ્યવહાર જળવાઈ રહે તે માટે VHF, HF અને ROIP સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી 24થી 48 કલાક દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને માનવજીવન તથા પશુધનની સુરક્ષા માટે ઝડપી અને નિવારક પગલાં લેવા DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સૂચના આપી છે. VNI NEWS, Gujarat Police, Heavy Rain, Gyanendra Singh Malik, Disaster Management, NDRF, SDRF, Gujarat Rain Alert, Heavy Rain Alert Gujarat, Disaster Management Gujarat, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *