આણંદ, ૧૮ મે, ૩૬ લાખ ડેરી ખેડૂતોની માલિકીની વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી જીસીએમએમએફ (અમૂલ)ના મેનેજિંગ ડિરિક્ટર ડૉ.જયેન મહેતાએ કાન્સ, ફ્રાન્સ માં ૭૭માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વોક કર્યું. શ્યામ બેનેગલની ૧૯૭૬ માં બનેલી ફિલ્મ “મંથન” નું કાન્સ ફિલ્મ ક્લાસિક્લ ૨૦૨૪ માં વર્લ્ડ પ્રિમિયર પણ યોજાયું હતું.
જીસીએમએમએફ તરફ થી આજે જણાવ્યું કે જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘મંથન’ (૧૯૭૬)માં સ્વર્ગસ્થ ગિરીશ કર્નાડ, દિવંગત પ્રતિષ્ઠિત અભિનેત્રી સ્મિતા પાટીલ અને નસીરૂદ્દીન શાહ સહિતના શ્રેષ્ઠ કલાકારો હતા. આ ફિલ્મમાં શ્વેતક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયન દ્વારા પ્રેરિત અદ્ભૂત ડેરી સહકારી ચળવળની શરૂઆતને દર્શાવવામાં આવી છે જેના થકી ભારત દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદકમાં પરિવર્તિત થયો.
ઉલ્લેખનીય છે કે “મંથન” એ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ડેરી ખેડૂતોના ક્રાઉડ ફંડેડ થી નિર્મિત વિશ્વની પ્રથમ ફિલ્મ છે. જેના માટે દરેક ડેરી ખેડૂતોએ ૨ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. વિશ્વની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા GCMMF કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે તેની સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે આ ફિલ્મને પુનઃસ્થાપિત કરવામાં આવેલ છે.
આ પુનઃસ્થાપિત ફિલ્મને ૧ જૂન ૨૦૨૪ એટલે કે વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે સમગ્ર ભારતના સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
રેડ કાર્પેટ પર GCMMF (અમૂલ) ના એમડી, ડૉ. જયેન મહેતા સાથે મંથમ ફિલ્મના કલાકારો નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, દિવંગત અભિનેત્રી સ્મિતા પાટીલના પુત્ર પ્રતિક બબ્બર, શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનના પુત્રી નિર્મલા કુરિયન અને સ્મિતા પાટીલની બહેનો ડૉ અનીતા પાટીલ દેશમુખ અને માન્યા પાટીલ સેઠ સાથે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન કે જેણે આ ફિલ્મને પુન:સ્થાપિત કરી છે તેની ટીમ જોવા મળેલ.
કાન્સમાં ભારત સરકારના ઇન્ડિયા પેવેલિયન ખાતે ૧૭ મે ૨૦૨૪ના રોજ કાન્સ ક્લાસિક ૨૦૨૪માં ‘રીવીઝીટીંગ મંથન’ શીર્ષક હેઠળ બેઠક યોજાયેલ. જેમાં શ્રી સંજય જાજુ, સચિવશ્રી, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, ડૉ જયેન મહેતા, એમડી, જીસીએમએમએફ, શ્રીમતી નિર્મલા કુરિયન, શ્રી શિવેન્દ્ર સિંહ ડુંગરપુર, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને શ્રી ડેવિડ પોઝી, ડાયરેકટર, લ’ઇમેજીન રિટ્રોવાટા, બોલોગ્નાએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ડૉ જયેન મહેતાએ જણાવ્યું હતું કે, “મંથન” ફિલ્મનો ભારતને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બનાવવામાં ખૂબ જ મોટો ફાળો છે. સમગ્ર દેશમાં ડેરી સહકારી ચળવળને ગતિશીલ બનાવવામાં આ ફિલ્મ થકી ફેલાયેલ જાગૃતિ ખૂબ જ અસરકારક રહી છે. સહકારી મોડલ આજે પણ સુસંગત છે કારણ કે ભારત કદાચ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જેની પાસે સહકાર મંત્રાલય છે અને તેનું વિઝન સહકારીતા દ્વારા તમામ ક્ષેત્રોના વિકાસને સુનિશ્ચિત કરવાનું છે. ૧૯૭૬માં રૂપિયા ૧૦ લાખના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મે વાર્ષિક રૂપિયા ૧૦ લાખ કરોડનું દૂધ ઉત્પાદન મૂલ્ય બનાવવામાં મદદ કરી છે.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા પ્રસાદ કોર્પોરેશન પ્રા.લિ.ના ચેન્નાઇના પોસ્ટ સ્ટુડિયો અને લ’ઇમેજીન રિટ્રોવાટા લેબોરેટરી, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના સહયોગથી ‘મંથન’ની હયાત વસ્તુઓનો ઉપયોગ કરીને ફિલ્મને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. જેમાં નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા(NDFC)માં 35mmના ઓરિજિનલ કેમેરાની નેગેટીવ અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનમાં 35mm રિલીઝ પ્રિન્ટ સચવાયેલા હતા. ઓરિજિનલ કેમેરા નેગેટીવના ભાગો પર કલર ફેડિંગ અને બદલાવ, ગ્રીન મોલ્ડ અને ફ્લિકર જોવા મળેલ. જ્યારે 35mm પ્રિન્ટના ઘણા ભાગોમાં સ્ક્રેચ અને વર્ટિકલ લીલી લાઇનો પણ હતી. અવાજની નેગેટીવ પણ સંપૂર્ણપણે ખરાબ થઇ ગયેલ હતી જેનો ઉપયોગ કરી શકાય તેમ ના હતો. અવાજને 35mm રીલીઝ પ્રિન્ટમાંથી ડિજિટાઇઝ્ડ કરવામાં આવેલ હતો.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા ફિલ્મની સામગ્રીનું સમારકામ કરવામાં આવેલ અને ચેન્નાઇની પ્રસાદ લેબમાં સ્કેનિંગ કરવામાં આવેલ હતું. સ્કેનિંગ અને ડિજિટલ ક્લીન-અપ બોલોગ્નામાં લ’ઇમેજીન રિટ્રોવાટાના માર્ગદર્શન હેઠળ પ્રસાદ ખાતે કરવામાં આવેલ હતું જ્યારે ગ્રેડિંગ, સાઉન્ડ રિસ્ટોરેશન અને માસ્ટરિંગ બોલોગ્નાની લેબમાં કરવામાં આવેલ હતું.