Spread the love

અમદાવાદ, 20 મે, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના ૮૯મા જન્મદિનપ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
   મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૧૮ મે ,શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ , આશ્રમ રોડ ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદમોહમ્મ્દ ગુલામનબી મન્સૂરી ‘આદિલ’ના‌ ૮૯મા જન્મદિનપ્રસંગે ‘ મળે ના મળે ‘ શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ‘ મળે ના મળે ‘માં ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિઓ રાજેન્દ્ર શુકલ , માધવ રામાનુજ , દલપત પઢિયાર , હર્ષ બ્રહ્મભટ્ટ , રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને કૃષ્ણ દવેએ ‘આદિલ’ મન્સૂરી સાથેના સંસ્મરણો અને સ્વરચિત કવિતાઓનો પાઠ કર્યો.આદિલ મન્સૂરીના ભત્રીજા અને કવિ તાહા મન્સૂરીએ કવિસંમેલનનું સંચાલન કર્યું.કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ પ્રાસંગિક ભૂમિકા રજૂ કરી અને આભારવિધિ કરી.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.


કવિસંમેલનમાં રજૂ થયેલ કવિતાના અંશ :
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !
કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !
-રાજેન્દ્ર શુક્લ
એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !
-માધવ રામાનુજ
તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !
– દલપત પઢિયાર
જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.
‘જા, તારું ભલું થાય’ કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.
-હર્ષ બ્રહ્મભટ્ટ
દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.
દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાખું દ્વાર.
– કૃષ્ણ દવે