Spread the love

~શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિ
~રાજ્યમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૩.૫૧% જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩.૦૭% જાહેર કરાયું
~રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ ૯૬.૬૦% પરિણામ ધરાવતું કેન્દ્ર ગોંડલ, જ્યારે સૌથી વધુ ૯૨.૯૧% પરિણામ ધરાવતો જિલ્લો મોરબી
~સામાન્ય પ્રવાહમાં ૧૦૦% પરિણામ ધરાવતા કેન્દ્રો સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા, તેમજ મીઠાપુર જ્યારે સૌથી વધુ ૯૭.૨૦% પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા
Gandhinagar, Gujarat, May 05, ગુજરાત ના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરના હસ્તે ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ અને સામાન્ય પ્રવાહ-૨૦૨૫નું પરિણામ જાહેર કરાયું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ – ૨૦૨૫ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રાજ્યના ૧૫૨ કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં ૧,૧૧,૨૨૩ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૧,૧૦,૩૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં નિયમિત વિદ્યાર્થીઓ, ૧,૦૦,૭૨૫ નોંધાયા હતા. જે પૈકી ૧,૦૦,૫૭૫ એ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ ૮૩,૯૮૭ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા હતા. આમ રાજ્યમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૩.૫૧% આવ્યું છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૮૩.૭૯% અને વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૩.૨૦% જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી ૮૩.૪૯% અને ગુજરાતી માધ્યમના ઉમેદવારોના પરિણામની ટકાવારી ૮૩.૭૭% છે. રાજ્યમાં સૌથી વધુ ૯૬.૬૦% પરિણામ ગોંડલ કેન્દ્રનું જ્યારે સૌથી વધુ ૯૨.૯૧% પરિણામ મોરબી જિલ્લામાં આવ્યું છે. આ ઉપરાંત સૌથી ઓછું ૫૯.૧૫% પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યું છે. જ્યારે A ગ્રુપના ઉમેદવારોના પરિણામ ૯૧.૯૦%, B ગ્રુપના ઉમેદવારોના પરિણામ ૭૮.૭૪% તેમજ AB ગ્રુપન ઉમેદવારોનું પરિણામ ૭૩.૬૮% આવ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર કરતા જણાવ્યું હતું કે, આ પરીક્ષામાં કુલ ૩,૬૪,૪૮૫ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૩,૬૨,૫૦૬ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિદ્યાર્થીઓમાંથી ૩,૩૭,૩૮૭ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં નિયમિત ઉમેદવારોનો પરિણામ ૯૩.૦૭% આવ્યું છે.
વધુમાં મંત્રીએ મીડિયાના મિત્રોને સંબોધતા કહ્યું કે, આ પરીક્ષાઓમાં ૧૦૦% પરિણામ ધરાવતા કેન્દ્રોમાં સપ્રેડા, વાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા, તેમજ મીઠાપુરનો સમાવેશ થાય છે. જ્યારે ૫૨.૫૬% સાથે ખાવડા કેન્દ્ર સૌથી ઓછુ પરિણામ ધરાવે છે. રાજ્યમાં સૌથી વધુ ધો-૧૨ સામાન્ય પ્રવાહ અને અન્ય પ્રવાહોમાં પરિણામ ૯૭.૨૦% ધરાવતો જિલ્લો બનાસકાંઠા છે જ્યારે સૌથી ઓછુ પરિણામ ૮૭.૭૭% ધરાવતો જિલ્લો વડોદરા છે.
વધુમાં મંત્રીએ જે વિદ્યાર્થીઓને સારા પરિણામ આવ્યા છે તેમને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ સફળ થયા નથી તે હતાશ થયા વગર ફરીવાર પૂરી મહેનત સાથે તૈયારીમાં જોડાઈ જાય તેવો અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલેખ્ખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય તે વિષયની પરીક્ષા અથવા સમગ્ર વિષયોની પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકે છે તેમ, મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પ્રિન્સ ચાવલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *