~”ભણશે વિંછીયા, ત્યારે તો આગળ વધશે વિંછીયા” શિક્ષણ ક્ષેત્રે જસદણ અને વિંછીયા તાલુકો અગ્રેસર રહે તે માટે સતત પ્રયત્નશીલ છીએ”- કુંવરજીભાઈ બાવળિયા
~વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
Rajkot, Gujarat, Apr 26, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ તકે શ્રી બાવળીયાએ વિદ્યાર્થીઓને એકાગ્ર ચિત્તે અભ્યાસ કરવા અને જીવનમાં લક્ષ્ય નક્કી કરીને કારકિર્દીમાં આગળ વધવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સૌથી વધુ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે, જેમાં શાળાઓના અદ્યતન અને સગવડ વાળા મકાનો, કોમ્પ્યુટર લેબ, ડિજિટલ બોર્ડ સહિતની માળખાકીય સુવિધાઓ છે. તથા રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ, એસ.ટી.ના પાસ, નમો લક્ષ્મી જેવી અનેકવિધ યોજનાઓ અમલીકૃત છે. ઉપરાંત, જસદણ અને વિંછીયા તાલુકાના આઈ. ટી.આઈ. ખાતે વિવિધ કોર્ષમાં એડમિશન અંગે જરૂરી માહિતી આપી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાઓએ માહિતી ખાતા દ્વારા દ્વારા પ્રકાશિત થતાં ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને અન્ય યોજનાકીય પ્રકીર્ણ સાહિત્ય નો લાભ લેવા અપીલ કરી હતી. મંત્રીશ્રીએ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવા વાલીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજની સદી વિજ્ઞાનની સદી છે. સરકારશ્રીની નવી શિક્ષણ નીતિમાં થયેલા ફેરફારના લીધે શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવી શકાયો છે. ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીમાં વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. છેવાડાના માનવી સુધી વિજ્ઞાન અંગે પાયાની માહિતી મળી રહે તેની જવાબદારી આપણા સૌની છે.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કરી હતી. ડૉ.દીપ્તિબેન જોશના શાબ્દિક સ્વાગત બાદ, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દી ક્ષેત્રે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની આભારવિધિ કલ્પેશભાઇ છાયાણીએ કરી હતી. આ પ્રસંગે એ.પી.એમ.સી.ના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, વિંછીયા મામલતદાર એચ. ડી.બારોટ, વિંછીયા તાલુકા વિકાસ અધિકારી પી. જે.પરમાર, શિક્ષણ નિરીક્ષક , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. એન. વન્ડ્રા, શિક્ષણ સંઘના ડી.બી. વાલાણી, અગ્રણીઓ અશ્વિનભાઈ સાકળિયા, સવિતાબેન વાસાણી, વિપુલભાઈ ભુવા, કિશોરભાઈ ગોહિલ, ભાવેશભાઈ વેકરીયા, ચતુરભાઈ, વિવિધ શાળાઓના આચાર્ય ઓ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહયા હતા.
રિધ્ધિ
