Spread the love

અમદાવાદ, 04 ઓગસ્ટ, અમદાવાદ શહેર પોલીસે અસરકારક પહેલ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમનું આજે આયોજન થયું હતું.
શહેર પોલીસ કમિશ્નર જી.એસ.માલિકના અધ્યક્ષસ્થાને અને ઝોન-૪ના નાયબ પોલીસ કમિશ્નર કાનન દેસાઈના માર્ગદર્શનમાં યોજાયેલા આ કાર્યક્રમમમાં આશરે ૪૫૦થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી અનેક નાગરિકોને ધિરાણ માટે સ્થળ પર જ લોનની પ્રોસેસ કરાઈ હતી. આ ઉપક્રમથી અનેક નાગરિકો તણાવમુક્ત બન્યા હતા.
આ અવસરે પોલીસ કમિશ્નરએ નાગરિકોને વ્યાજખોરીના કિસ્સામાં ભયમુક્ત બની ફરિયાદ કરવા તેમજ જરૂરિયાતના સમયમાં બેન્ક જેવી આધારભૂત જગ્યાએથી પરવડે તેવા વ્યાજ સાથે ધિરાણ મેળવવા સૂચવ્યું હતું.
કાર્યક્રમમાં અમદાવાદ મનપાનો સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ કાર્યક્રમને સફળ ઝોન-૪ સમગ્ર પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી ‘પોલીસ પ્રજાનો મિત્ર’ હોવાની અનુભૂતિ કરાવી હતી.
નાગરિકો વ્યાજખોરોની ચુંંગાલમાં ફસાઇ ઘણીવાર જીવનભરની બચત, દાગીના અને મિલકત ગુમાવતા હોય છે. એટલું જ નહીં વ્યાજખોરોના અસહ્ય ત્રાસને કારણે આત્મહત્યાના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે વ્યાજખોરીનું ચક્ર અટકે અને તેમાં ફસાયેલા નાગરિકોને ત્વરિત છુટકારો મળે તે માટે અમદાવાદ શહેર પોલીસે અસરકારક પહેલ કરી છે. જેમાં ખોટી રીતે વ્યાજ વસૂલાત શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવવાની હિંમત આપવા તેમજ જરૂરિયાત ધરાવતા લોકોને વિશ્વસનીય સ્ત્રોત તરફથી ધિરાણ અપાવવા માટે આ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ ઝુંબેશ અને ધિરાણ માટે મેગા લૉન કાર્યક્રમનું આયોજન થયું હતું.