Bhuj, Kutchh, Gujarat, Dec 22, ગુજરાતના પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે તેમના પ્રવાસનાં છેલ્લા દિવસે ધોળાવીરા, નિરોણા ગામ અને સ્મૃતિવનની મુલાકાત કરી હતી.
આધિકારિક સૂત્રોનાં જણાવ્યું કે પીઆઈબી, તિરુવનંતપૂરમ , કેરળ દ્વારા આયોજીત મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં તેમના પ્રવાસનાં છેલ્લા દિવસે આજે ધોળાવીરામાં સિંધુ સંસ્કૃતિ અને હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે તે સ્થળની મુલાકાત લીધી હતી. અહીં ભારતનાં પુરાતત્વીય સર્વેક્ષણનાં જેમલભાઈ મકવાણાએ મંડળને 5 હજાર વર્ષ પૂર્વેની નગર રચનાની જાણકારી આપી હતી. જેમાં પાણી પુરવઠા માટે સુવ્યવસ્થિત ચેનલ, સ્નાનાગાર, થીએટર, દિવાલો અને પ્રવેશદ્વારની રોચક માહિતી તેમણે આપી હતી.
કચ્છની ઓળખ સમાન રોગન આર્ટ માટે જાણીતા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અબ્દુલગફુરભાઈ ખત્રીની તેમના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં અબ્દુલગફુરભાઈએ રોગનની સમજણ, રંગ બનાવટ અને વિવિધ ડિઝાઈન બાબતે માહિતી આપી હતી. પોતાની આ કલા યાત્રા જેમાં ભૂલાતી જતી આ કલાને વિશ્વ સ્તરે જાણીતી કરવા અંગેની ચર્ચા પણ તેમણે કરી હતી.
ત્યાર બાદ પત્રકારોએ સ્મૃતિવન, ભૂજની મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ માહિતીની સાથે ભૂકંપ દરમિયાન કચ્છ, ગુજરાતમાં થયેલી તારાજીની તાદૃશ્ય અનુભૂતિ કરી હતી.
આ પ્રતિનિધિ મંડળ સપ્તાહ માટે ગુજરાતનાં પ્રવાસે આવ્યું હતું. ગુજરાતમાં તેમણે સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટ, બૂલેટ ટ્રેન, સાબરમતી હબ, રિવરફ્રન્ટ, રિવરક્રૂઝ, સૂર્યમંદિર, મોઢેરા, વડનગર અને કચ્છની મુલાકાત લઈ ત્યાંના વિકાસ અને વારસાની માહિતી મેળવી હતી.