Spread the love

Ahmedabad, Gujarat, Jan 03, ગુજરાત ના અમદાવાદમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, દ્વારા આજે વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ યોજાયો.
મહંત સ્વામી મહારાજનએ આ પ્રસંગે જણાવ્યું કે ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે. ભારતની યજ્ઞપરંપરા શીખવે છે કે સર્વ કંઈ ભગવાનને અર્પણ કરીને ભોગવો, ત્યાગીને ભોગવો.યજ્ઞ એ જીવનને ઊર્ધ્વમાર્ગ તરફ લઈ જતી શક્તિ છે. યજ્ઞ એ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્મારક છે.યજ્ઞ એ જીવનનો અમૂલ્ય લહાવો છે.સનાતન શાસ્ત્રોમાં પણ યજ્ઞનો અપાર મહિમા કહ્યો છે જેમકે ‘યજ્ઞમાં અર્પણ કરીને પ્રસાદ લેનાર મોક્ષ પામે છે.’ :- શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ‘યજ્ઞ એ પરમાત્માનું સ્વરૂપ છે.’ :- ઉપનિષદ
ગુજરાત સદૈવ જેમનું ૠણી છે એવા ભગવાન સ્વામિનારાયણે ગામોગામ અહિંસક યજ્ઞો કરાવીને ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાનો ખૂબ મહિમા વધાર્યો છે. તેમની ગુણાતીત ગુરુપરંપરાએ પણ એ જ યજ્ઞીય પરંપરાને વિસ્તારી છે.
આજથી ૨૧૫ વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી.
તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે આજે ૩ જાન્યુઆરી, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં “વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ” નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર – શાહીબાગ સામે, યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પ્રમુખ વાટિકા ખાતે કરવામાં આવ્યું હતું.
સાંજે ૪ થી રાત્રિના ૮ વાગ્યા સુધીમાં ચાલેલા આ મહાયજ્ઞમાં જુદા જુદા વિસ્તારના હજારો હરિભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો હતો.
આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગમાં જુદા જુદા મંડપમ બનાવવામાં આવ્યા હતા, જેવા કે ગુણાતીતાનંદ મંડપમ, ભગતજી મહારાજ મંડપમ, શાસ્ત્રીજી મહારાજ મંડપમ, યોગીજી મહારાજ મંડપમ, પ્રમુખસ્વામી મહારાજ મંડપમ તેમજ મહંત સ્વામી મહારાજ મંડપમ. આ તમામ મંડપોમાં કુલ મળીને ૪૦૦ જેટલા યજ્ઞકુંડમાં આશરે ૧૨૦૦૦ થી વધુ વ્યક્તિઓએ યજ્ઞકુંડમાં આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો; જેમાં આશરે ૫ લાખથી વધુ હોમાત્મક દ્રવ્યોથી અર્ઘ્ય તેમજ ૫૦ લાખથી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી.
વિવિધ પ્રસંગો તથા નિમિત્ત અર્થે જેવા કે નૂતન લગ્ન પ્રસંગ, માતૃ-પિતૃ મોક્ષાર્થે, તન-મન-ધન સમૃદ્ધિ, પ્રગટ ગુરૂહરિ પ્રસન્નતા, યજ્ઞોપવિત ધારણ, માનસિક સ્થિરતા વગેરે માટે હજારો યજમાન હરિભક્તો – ભાવિકો આ યજ્ઞવિધિમાં જોડાયા હતા.