~’રાષ્ટ્રીય અંગદાન દિવસ’ના બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં થયું ૨૦૨મું અંગદાન : હૃદય, એક લીવર, બે કીડની તેમજ બે આંખોનું દાન મળ્યું
~અમદાવાદના સૈજપુર બોઘાના ધીરજભાઇ બ્રેઇનડેડ થતા પિતા ગણપતભાઇએ અંગદાનનો નિર્ણય કર્યો
બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરીને ગણપતભાઇએ પુત્રને અન્યમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો
લાંબા સમયથી પુત્રને ખેંચની બીમારીથી પીડાતા જોયો હોવાથી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની પરીસ્થિતિને સારી રીતે સમજી શકું છું. આવા દર્દીઓની પીડા ઓછી થાય અને તેમને નવું જીવન મળે તે હેતુથી મારા બ્રેઇનડેડ દીકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો – ગણપતભાઇ શ્રીમાળી, અંગદાતા ધીરજભાઇના પિતા
Ahmedabad, Gujarat, Aug 02, ગુજરાત માં અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં હૃદય, એક લીવર, બે કીડની તેમજ બે આંખોનું દાન મળ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આજે જણાવ્યું કે ૩જી ઓગસ્ટના રોજ ઉજવાતા ‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ના બે દિવસ પહેલા, એટલે કે ૧લી ઓગસ્ટે સિવિલ હોસ્પિટલમાં ૨૦૨મું અંગદાન થયું હતું. બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરીને પિતાએ ‘અંગદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કર્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં થયેલા ૨૦૨માં અંગદાનની વાત કરીએ તો અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા ધીરજભાઇ શ્રીમાળી છેલ્લા પચ્ચીસ વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા. ૪૫ વર્ષીય ધીરજભાઇને ૨૮ જુલાઈના રોજ ખેંચ આવતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ૭૨ કલાક કરતા વધારે સમયની સઘન સારવાર બાદ તારીખ ૦૧ ઓગસ્ટના રોજ ડોક્ટરોએ ધીરજભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે સમજાવતા સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના પિતા ગણપતભાઇએ તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. બ્રેઇનડેડ પુત્રના અંગોનું દાન કરીને ગણપતભાઇએ પુત્રને અન્યમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ અંગદાન બાબતે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિતલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૦૨ અંગદાન થયા છે . જેના દ્વારા કુલ ૬૬૪ અંગોનું દાન મળ્યું છે. જે થકી ૬૪૫ લોકોને નવજીવન પ્રદાન થયું છે.
ધીરજભાઇના અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૭ લીવર, ૩૬૮ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૫ હ્રદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનું દાન મળ્યુ છે.
ધીરજભાઇના અંગદાનથી મળેલ એક લીવર અને બે કીડનીને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સાથે જ, ધીરજભાઇના અંગદાનથી મળેલ હૃદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મેહતા હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. ધીરજભાઇના ચક્ષુદાનથી મળેલ બે આંખોનું દાન એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતુ.
