Spread the love

~આકસ્મિક સંજોગોમાં તકેદારીના ભાગરૂપે નાગરિક સુરક્ષાને મધ્યવર્તી રાખી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ
~લોકોને સ્વસ્થ, સંયમિત, જાગૃત અને અભ્યાસમય રાખવાની જવાબદારી આપણી છે -જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવે
~એસ.ઓ.પી ,ડ્રિલ સેડ્યુલ અને આશ્રય નકશા હોય તે પ્રકારના સાહિત્યનું વિતરણ નગરજનોને કરવા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રની તૈયારી
~કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ગાંધીનગર જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ સુસજ્જ હોવાનું જણાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
~શક્યતાઓ ઊભી થાય તો પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે સેલ્ટર્સ હોમથી માંડી ફૂડ પેકેટ સુધીની વ્યવસ્થા કરવાની તૈયારી દર્શાવતા મ્યુનિસિપલ કમિશનર જે. એન વાઘેલા
Gandhinagar, Gujarat, May 09, દેશમાં પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે આકસ્મિક સંજોગોમાં તકેદારીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
જેમાં શ્રી દવેએ ભવિષ્યમાં ગાંધીનગર જિલ્લામાં આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે મહત્વના સ્થળો અને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા, જાનમાલને નુકસાનીથી બચાવી શકાય, ફાયર અને મેડિકલ-એમ્બ્યુલન્સની પુરતી સુવિધા સાથે સિનિયર સિટિઝન, બાળકો, નાગરિકોને પુરી પાડવાની થતી સુવિધાના તમામ સાધનો-વ્યવસ્થા હાથવગા રાખવા અંગે પુરતી કાળજી રાખી સ્ટાફને સેન્સીટીવ કરી જાગૃત અને સતર્ક રહેવા અંગે જણાવ્યું હતું. નાગરિકોના પુરતા સહયોગ માટે જિલ્લામાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ , હોમગાર્ડ , એન.સી.સી, એન.એસ.એસ, એન.વાય. કે.એસ, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડસ વગેરે યોગ્ય સમયે કામ લાગે તેવી રીતે સંકલનમાં રહીને તેમની કુશળતાનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂકી સંપર્ક નંબર-નામ સાથેની યાદી તૈયાર રાખવી, ગમે તેવી આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે સતર્ક રહી લોકોને જાગૃત કરવા અને ખોટી અફવા-ગેરસમજ ન ફેલાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.
આ બેઠક અંતર્ગત કલેકટર એ ઉપસ્થિત સર્વે અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશ સેવાનો લાવો ક્યારેક જ નસીબ થી મળે છે, આપણું સૌભાગ્ય છે કે, આપણા ભાગે આ તક આવી છે, એટલે ઉત્સાહથી નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશું એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ કલેકટરશ્રી એ ઉમેર્યું હતું કે, લોકોને સ્વસ્થ, સંયમિત, જાગૃત અને અભ્યાસમય રાખવાની જવાબદારી આપણી છે, મિશન માતૃભૂમિ સમજી આ જવાબદારી આપણે સૌએ સાથે મળીને નિભાવવાની છે. સામૂહિક તાકાત સાથે ચાલીશું તો ચોક્કસ સારી રીતે કાર્ય થઈ શકશે. માટે મા અને માતૃભૂમિ માટે કાર્ય કરવાનું છે, તેમ સમજી કાર્ય કરો અને આ ભાવના તમારામાં એક નવો જોશ ઉત્પન્ન કરશે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી બી. જે પટેલ દ્વારા પણ જિલ્લા પંચાયત અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા કક્ષાએ શરૂ થવા જઈ રહેલા કંટ્રોલરૂમની માહિતી આપવામાં આવી હતી, આ કંટ્રોલ રૂમમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકારી કર્મચારી હાજર રહેશે. સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ સુસજ્જ છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે. એન વાઘેલા એ ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરી અંગે જણાવતા કહ્યું હતું કે, જો શક્યતાઓ ઊભી થાય તો તેની સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રતિનિધિ તરીકે તેમણે તમામ પ્રકારની તૈયારી દર્શાવી, સાથે જ ઉમેર્યું હતું કે, જો જરૂર પડે તો 12 થી 13 સેલ્ટર્સ હોમ તો છે જ , છતાં વધુ સેલ્ટર્સ હોમ અને ફૂડ પેકેટ ની જરૂર પડે તો પણ વ્યવસ્થા કરવાની તૈયારી છે.
બેઠકમાં અધિકારીઓએ વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાએ થયેલી કામગીરી સવિસ્તાર જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોની સુરક્ષા માટે બોલાવાયેલી આ બેઠકમાં દરેક ઘરમાં એસ.ઓ.પી ,ડ્રિલ સેડ્યુલ અને આશ્રય નકશા હોય તે પ્રકારના સાહિત્યનું વિતરણ નગરજનોને કરવાનો પણ કલેક્ટરશ્રીએ આદેશ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન વાઘેલા , જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી, ઇ/ચા નિવાસી અધિક કલેક્ટરશ્રી અર્જુનસિંહ વણઝારા સહિત જિલ્લા વહિવટી તંત્રના વિવિધ અધિકારીઓ, આર્મી, એરફોર્સ, સીઆરપીએફ, બીએસએફના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *