સોમનાથ, 05 ઓગસ્ટ, ગુજરાત ના સોમનાથમાં વિક્રમજનક ધ્વજાપૂજા શ્રાવણના પ્રથમ સોમવારે 68 ધ્વજાપૂજા કરવામાં આવી.
શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને તેમાં પણ પ્રથમ દિવસ જ સોમવાર હોય આજરોજ સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જે.ડી પરમાર ના હસ્તે સૌપ્રથમ ધ્વજા પૂજા, પાલખી પૂજા કરી શ્રાવણ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
વિક્રમી ધ્વજારોહણ: સમગ્ર દિવસ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવની ધર્મધ્વજાના અહર્નિશ ફરકતી રહી હતી. શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અત્યાર સુધીના તમામ વિક્રમ પાર કરીને 68 ધ્વજા પૂજા નોંધાઈ હતી. દર્શન કરનાર ભક્તોમાં મહાદેવની ધ્વજા પૂજાનું અદભુત આકર્ષણ જોવા મળ્યું હતું. સોમનાથમાં પ્રવેશ કરતાની સાથે જ આકાશમાં ફરકી રહેલ સોમનાથ મંદિરનો ધર્મધ્વજ શ્રદ્ધાળુઓના મનમાં અનેરી આસ્થા ઉત્પન્ન કરે છે. સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા દાયકાઓથી શ્રદ્ધાળુઓમાં પરમ આસ્થા નું કેન્દ્ર રહી છે. ત્યારે આ વખતે શ્રાવણ માસમાં સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા ઊભી કરી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોના પૂજન અનુભવને વધુ ને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. જેની ફળ શ્રુતિ સ્વરૂપે શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારે છે ત્યારે તીર્થનું ભક્તિમય વાતાવરણ તેઓને આધ્યાત્મિક અને પૂજા કાર્ય માટે પ્રેરણા આપે છે.
આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને 68 ધ્વજા પૂજા કરવામાં આવી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધીવિધાન થી ધ્વજા પૂજન કરીને ભક્તોએ સોમનાથ મહાદેવના પરમ સાનિધ્યનો અનુભવ કર્યો હતો. કોરોના મહામારી બાદ લોકોમાં આસ્થા વધુ સુદ્રઢ બની હોય તે ગત વર્ષોમાં શ્રદ્ધાળુઓમાં વધતી સંખ્યા અને પૂજા કાર્ય પ્રત્યેના ઉત્સાહ થી અનુભવી શકાય છે. ઉલ્લેખનીય છે કે સાંજે 0600 વાગ્યા સુધીમાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.