Spread the love

ગાંધીનગર, 05 ઓગસ્ટ, ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
ઋચા રાવલે આજે જણાવ્યું કે ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૦૪,૯૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૩૩ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૨૫,૯૭૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૩૮ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૧ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૪૨ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં ૯૨,૮૬૭ ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ૮૩,૯૮૫ ક્યુસેક, દમણગંગામાં ૫૩,૪૫૬ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૦.૩૨ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ માં ૫૨.૬૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૧૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૫.૨૬ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૩૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.