Spread the love

~વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણીરૂપે અમદાવાદમાં યોજાશે રેડિયો ગરબા, બાળાઓ હેરિટેજ રેડિયો માથે લઈને ગરબે ઘૂમશે
~૧૯૨૦થી ૨૦૨૬: ઈવોલ્યુશન અને રિવોલ્યુશનનો અનેરો સંગમ: સિદ્ધાર્થભાઈનું આ કલેક્શન ઇતિહાસ અને આધુનિકતાનો અનોખો સંગમ છે. જેમાં ૧૯૨૦-૩૦ના દાયકાના અડધો ફૂટથી પણ મોટી સાઇઝના વાલ્વવાળા રેડિયો પણ છે, તો બીજી તરફ વર્ષ-૧૯૪૪માં વિશ્વયુદ્ધ માટે ઉપયોગમાં લેવાતાં પીસીઆર(રિસિવર) પણ છે. આ કલેક્શનમાં મેટલના અને વુડન રેડિયો પણ છેં જેમાં જીઈસી, પાઈ, માર્કોની, ફિલિપ્સ, જીસીજી, નેશનલ ઈ કોલ, મર્ફી, ટોનફન્ક, વિટાવૉક્સ, નૉરમેન્ડ, બુશ, ગ્રામોફોન, એડિસ્ટોન, ગ્રન્ડિગ, પૅલાર્ડ જેવી દેશવિદેશની જાણીઅજાણી કંપનીઓના રેડિયોનો સમાવેશ થાય છે.
~જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ અને હોલેન્ડ જેવા દેશોના રેડિયોનુ કલેક્શન: આ મ્યુઝિયમમાં કોઈ સામાન્ય રેડિયો નથી, પરંતુ ઇતિહાસના સાક્ષી એવાં સાધનો છે. જેમાં ત્રણ ફૂટથી મોટી સાઇઝના કદાવર રેડિયોથી લઈને હથેળીમાં સમાઈ જાય તેવા પોર્ટેબલ રેડિયો પણ છે. આ તમામ ઉપકરણો જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ અને હોલેન્ડ સહિતના દેશોના જૂની ટેકનોલોજીવાળા ‘વાલ્વ’ ધરાવે છે.
Ahmedabad, Gujarat, Feb 12, ગુજરાત ના અમદાવાદમાં ૧૨૦ ‘હેરિટેજ’ રેડિયોનું અનોખું મ્યુઝિયમ 13 Feb થી શરૂ થશે.
અમિત રાડિયાએ આજે જણાવ્યું કે અમદાવાદ હવે માત્ર સ્થાપત્યનું જ હેરિટેજ શહેર નથી રહ્યું, પરંતુ હવે તે અવાજ અને તરંગોના વારસાને પણ સાચવશે. આવતીકાલ તા. ૧૩મી ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ રેડિયો દિવસ’ નિમિત્તે અમદાવાદના રેડિયોપ્રેમી સિદ્ધાર્થ પટેલ દ્વારા દેશવિદેશનાં ૧૨૦થી વધુ રેડિયો ધરાવતાં અનોખા ‘હેરિટેજ રેડિયો મ્યુઝિયમ’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
આ સાથે જ આકાશવાણી અમદાવાદ ખાતે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણીરૂપે એક અદ્દભુત દૃશ્ય જોવા મળશે. જેમાં ૧૧ જેટલી બાળાઓ ‘હેરિટેજ’ રેડિયો માથે લઈને ગરબે ઘૂમશે.
વિશ્વભરનાં અવનવાં રેડિયો ખરીદવાના પોતાના શોખથી હેરિટેજ રેડિયો કલેક્ટર તરીકેની આ આખી સફર વિશે વાત કરતાં સિદ્ધાર્થભાઈ જણાવે છે કે, ‘મને નાનપણથી જ રેડિયો સાંભળવાનો ભારે શોખ હતો. એવો ગાંડો શોખ કે વર્ષ-૧૯૮૦-૮૧ના ગાળામાં મેં રેડિયો બનાવવાનું યુનિટ શરૂ કરવાનું નક્કી કર્યું. લોકો ઇમ્પોર્ટેડ રેડિયો ખરીદે તેના બદલે ભારતીય રેડિયો કેમ ન ખરીદે.’
‘પરંતુ, તે સમયે એક ઇમ્પોર્ટેડ રેડિયો ૪૦૦-૫૦૦ ડોલરની મોટી રકમમાં આવતો. અને, મારી પાસે નાણાંની પૂરતી જોગવાઈ ન હોવાથી તે શક્ય ન બન્યું. પણ, એ દિવસથી મને દેશવિદેશનાં અવનવાં રેડિયો ખરીદવાનો શોખ લાગ્યો. આ રીતે એક-એક કરીને આજે મારી પાસે આશરે સવાસો જેટલાં રેડિયો છે. જે તમામ વાલ્વવાળા રેડિયો છે.’
આ શોખ પૂરો કરવા માટે સિદ્ધાર્થભાઈએ વિશ્વના ખૂણે-ખૂણેથી રેડિયોનું કલેક્શન કરવાનું શરૂ કર્યું. જેમ-જેમ તેમના આ શોખ વિશે લોકોને ખબર પડતી ગઈ, તેમ-તેમ અમદાવાદ ઉપરાંત મુંબઈ, જયપુર, ઉદયપુર જેવાં શહેરોમાંથી સ્ક્રેપ (ભંગાર) ખરીદનારા મારો સંપર્ક કરવા લાગ્યાં અને આ રીતે આ સવાસો જેટલાં ‘રત્નો’ હાથ લાગ્યાં. જેમાંથી મોટા ભાગનાં રેડિયો તેની ઑરિજિનલ અને વર્કિંગ કન્ડિશનમાં હોવાનું તેઓ જણાવે છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વયુદ્ધ દરમિયાન અફવાઓ રોકવા માટે રેડિયો એકમાત્ર હથિયાર હતું. આજે જ્યારે સંચારનાં અનેક સાધનો છે, ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ-૨૦૧૪થી દર મહિને ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રેડિયોના માધ્યમથી જ દેશના નાગરિકો સાથે સંવાદ કરે છે. ત્યારે આ મ્યુઝિયમ નવી પેઢીને રેડિયોના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડશે, તેવો વિશ્વાસ સિદ્ધાર્થભાઈને છે.
અમદાવાદને ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો મળ્યો, ત્યારે જ સિદ્ધાર્થભાઈએ નક્કી કર્યું હતું કે રેડિયોના આ વારસાને એક છત નીચે લાવવો જોઈએ. આજે ‘સર્વયોગમ રેડિયો મ્યુઝિયમ’ દ્વારા એ સપનું સાકાર થઈ રહ્યાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.