Spread the love

Ahmedabad, Gujarat, Feb 05, અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી પ્રભુતામાં પગલું માંડે તે પહેલા અદાણી પરિવારે નવી પરિણીત દિવ્યાંગ સન્નારીઓની વહારે ‘મંગલ સેવા’ ની માંગલિક ઘોષણા કરી છે.
અદાણી પરિવાર તરફથી આજે અહીં જારી કરાયેલ એક અખબારી યાદી અનુસાર આ નવી વિવાહિત દિવ્યાંગ સન્નારીઓના સંસારી જીવનમાં વહારે થવા માટેનો કાર્યક્રમ છે.આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે આવી 500 સન્નારીઓ પ્રત્યેકને રુ. 10 લાખની કરિયાવર સ્વરુપ સહાય આપવામાં આવશે.
પોતાના લગ્નના માત્ર બે દિવસ પહેલા આજે પોતાના આવાસે જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા ૨૧ દિવ્યાંગ યુગલોને નોતરું આપી તેઓને મળી સંસારી જીવનની શુભકામનાઓ પાઠવીને આ કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું. ઉદ્યોગ સાથે સામાજીક જવાબદારી અદા કરવાના અદાણી પરિવારની પરંપરાનો વારસો જાળવી રાખવાનો આ પહેલ દ્વારા સંકેત આપનાર જીત તા. ૭મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ અમદાવાદમાં દિવા શાહ સાથે લગ્નગ્રંથીથી જોડાનાર છે.
’सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है’, એવી પોતાની સામાજિક ફિલોસોફી સાથે ગૌતમ અદાણીએ X (અગાઉ Twitter) ઉપર પોતાના હૈયાનો હરખ વ્યકતા કરતા લખ્યું છે કે તેમનો પુત્ર જીત અને પુત્રવધુ દીવા પોતાના લગ્ન જીવનની સફરની શરુઆતનો પ્રથમ અધ્યાય એક સદાચારી સંકલ્પ સાથે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જીત અને દિવાએ નવી પરિણીત 500 દિવ્યાંગ સન્નારીઓને દસ લાખ રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરીને ‘મંગલ સેવા’ કરવાનું વચન આપ્યું છે.
તેમણે ઉમેર્યું કે આ માંગલિક પહેલ મારફત ઘણી દિવ્યાંગ દીકરીઓ અને તેમના પરિવારોને જીવનમાં ખુશી અને ગૌરવના માંડવારોપણ સાથે ઉત્સાહિત કરવામાં આવશે. સેવાના આ પથ પર આગળ વધવાનું ચાલુ રાખવા માટે તેમણે જીત અને દિવાને આશીર્વાદ આપ્યા છે.
હાલમાં જીત અદાણી ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર છે. આ કંપની તેના મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ ધરાવે છે. એરપોર્ટના વ્યવસાય ઉપરાંત જીત અદાણી સમૂહના સંરક્ષણ, પેટ્રોકેમિકલ્સ અને કોપર વ્યવસાયોની સંભાળ રાખવા સાથે. તે ઉદ્યોગ સમૂહના ડિજિટલ પરિવર્તનનો પણ હવાલો સંભાળે છે.
ગુજરાતના મુંદ્રામાં નાના ગ્રામીણ પ્રકલ્પમાંથી અદાણી ફાઉન્ડેશનને પરિવર્તનના વૈશ્વિક બળમાં રુપાંતરિત કરનાર જીતના માતા ડો. પ્રિતી અદાણીના કાર્યોના પ્રભાવ હેઠળ ઉછરેલા જીત વ્યવસાયની સાથો સાથ દિવ્યાંગ લોકોની વહારે ઉભા રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પરોપકારી પહેલ કરવામાં ઉંડો રસ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *