Spread the love

Ahmedabad, Gujarat, Apr 13, ગુજરાત ના અમદાવાદમાં પાક્ષિકી’ અંતર્ગત વાર્તાકાર અલકા ત્રિવેદી દ્વારા એમની વાર્તા ‘કરચ’નું પઠન કરવામાં આવ્યું.
સંચાલક જયંત ડાંગોદરાએ આજે જણાવ્યું કે ૧૨/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ૦૫૦૦ વાગ્યે ‘પાક્ષિકી’ અંતર્ગત  વાર્તાકાર અલકા ત્રિવેદી દ્વારા એમની વાર્તા ‘કરચ’નું પઠન કરવામાં આવ્યું હતું.
પરિમલને ઘરે આવવાની જરા પણ ઈચ્છા ન હતી પરંતુ પ્રસંગને કારણે આવું પડે છે. તે બસમાંથી ઉતરીને ગામના બસ સ્ટેન્ડે થોડીવાર બેસી રહે છે. ત્યાં જ  જેનો ડર હતો તે કાકા તેને લેવા માટે આવી જાય છે.કાકા પ્રત્યે પરિમલને સખત નફરત અને ચીડ‌ હોય છે. તેમની વિચિત્ર ચેષ્ટાઓ અને રીતભાતથી પરિમલ વાજ આવી ગયો હોય છે.
કાકાએ પરિમલનું શારીરિક શોષણ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી હોતું. એટલું જ નહીં તેના મિત્રો ચિકા અને જિગા ઉપર પણ તેમની નજર રહેતી હતી. જોકે જિગો તો બચી ગયેલો પણ ચિકાનો ગેરલાભ તો કાકા લઈને જ જંપેલા. આ કારણે બંને મિત્રો વચ્ચે દરાર પણ પડી ગઈ હતી.
ગામમાં પરિમલ,જિગો, ચિકો અને મીંદડી એટલે કે મંજરી એમ ચાર જણની મિત્રટોળી હતી. તેમના ઉંમરસહજ તોફાન મસ્તી થતા રહેતાં. એક દિવસ તો એ ટોળી કોઈને પૂછ્યા વગર બહારગામ પણ ઉપડી ગયેલી.  એ બાબતે મીંદડીના બાપુજીએ પરિમલના મમ્મીને ફરિયાદ કરતાં કહેલું કે તમારી દીકરી‌ ચૌલા પૂછ્યા વગર બહારગામ ઉપડી જાય તો કોઈ સાથે તો તમને કેવું લાગે? એ વખતે પરિમલને થાય છે  ચૌલા પર તો માની ચોકી છે. જેટલું ધ્યાન ચૌલાની ચોકી કરવામાં રાખ્યું છે એટલું દીકરાને સાચવવામાં  રાખ્યું હોત તો પોતાની આ દશા ના આવતી!
કાકાના વારંવારનાં અડપલાં અને શોષણથી કંટાળેલો પરિમલ એક દિવસ અરીસા પર જોરથી‌ગ્લાસ ફેકે છે. વેરાયેલી કાચના ટુકડાઓ ભેગા કરતાં કરતાં તેના હાથમાં એક કરચ વાગી જાય છે. પરંતુ માને વધારે ચિંતા તો અરીસો ફૂટી ગયાની છે.
આવા માહોલમાં તે શિક્ષક બની ગયેલી મંજૂરીને મળવા જાય છે. તળાવની પાળે ચારે મિત્રો મળે છે. મંજરીને પરિમલની બધી જ હકીકતનો ખ્યાલ  હોય છે. ચિકા અને જિગાની હાજરીમાં મંજરી પરિમલના હાથ પર પોતાનો હાથ મૂકે છે. પરિમલની ભીતર ગંઠાઈ ગયેલી કાકાના શોષણની ગ્રંથિ તૂટી જાય છે અને એ રીતે વાર્તાનું સુખદ પરિણમન થાય છે.
બાળકોનાં શારિરીક શોષણને વિષય બનાવતી આ વાર્તા એક સામાજિક સમસ્યાને ઉજાગર કરતી હતી. આ કાર્યશાળામાં કુમારના તંત્રી પ્રફુલ્લભાઇ રાવલની વિશેષ ઉપસ્થિત હતી. સાથે સાથે મનહર ઓઝા, ચિરાગ ઠક્કર, ચેતન શુક્લ, સાગર શાહ, દીના પંડ્યા, નિર્મલા મેકવાન,અર્ચિતા પંડ્યા, સ્વાતિ મુકેશ શાહ, અશોક નાયક, રાધિકા પટેલ, પ્રફુલ્લ ખખ્ખર, મહેન્દ્ર ખખ્ખર, મુકુલ દવે, નિરાલી પટેલ, તુષાર દેસાઈ, ડો.વિક્કી પરીખ, અનિલ શુક્લ, ભરત સાંગાણી, ડો.અતુલ પટેલ, હર્ષા પટેલ, ઊર્મિ પંડિત તેમજ અન્ય હાજર સહ્યદય સુજ્ઞ ભાવકો દ્વારા સંવાદ રસપૂર્ણ બની રહ્યો હતો. આ પાક્ષિકી કાર્યશાળાનું સંચાલન જયંત ડાંગોદરાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *