Gandhinagar, Oct 04, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આજે અમદાવાદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંક-ADCનો ‘સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ’ યોજાયો હતો.
શ્રી શાહે ધ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંક (ADC) પરિવારના સભ્યોને સેવાની શતાબ્દી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોઇપણ સંસ્થા અનેક ઉતાર-ચડાવ જોઈને જ્યારે ૧૦૦ વર્ષ સુધી સાતત્યપૂર્ણ રીતે કામ કરે, તે સમગ્ર સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. સહકારિતાનો મૂળ ઉદ્દેશ્ય સામૂહિક ઉત્કર્ષનો છે, જેને અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંક છેલ્લા ૧૦૦ વર્ષથી પૂર્ણ કરી રહી છે. ADC બેંક નાણાકીય વ્યવહાર ઉપરાંત અનેક સામાન્ય નાગરિકોના જીવનને સમૃદ્ધ બનાવીને સામાજિક ક્ષેત્રે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એટલા માટે જ, આજે ADC – નાના માણસોની મોટી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ADC બેંકની સફળ શતાબ્દીને અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતભરના ખેડૂતોના ઉત્કર્ષના ૧૦૦ વર્ષ ગણાવતા કહ્યું હતુ કે, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને શાહુકારોના વિષચક્રમાંથી બચાવવા માટે વર્ષ ૧૯૨૫માં અમદાવાદ ખાતે એક નાની ઓરડીમાં શરૂ થયેલી ધ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંકે ૧૦૦ વર્ષમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. છતાં પણ આજે રૂ. ૧૭,૦૦૦ કરોડથી વધુનો બિઝનેસ, રૂ. ૧૦૦ કરોડનો નફો, અડધા ટકા કરતા પણ ઓછો NPA રેટ તેમજ આશરે રૂ. ૬,૫૦૦ કરોડના ધિરાણ સાથે ADC બેંક દેશની સૌથી વધુ નફો કરતી અગ્રણી જિલ્લા સહકારી બેંક તરીકે પ્રસ્થાપિત થઇ છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પાસે સામાન્ય વ્યવસ્થાનો અભાવ હતો, દુકાળના પરિણામે આર્થિક તંગી હતી અને ખેડૂતો શાહુકારોના વિષચક્રનો ભોગ બનતા હતા. તેવા કપરા સમયે મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાતમાં સહકારનો પાયો નાખવાની હાકલ કરી હતી. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલે શરૂ કરેલી સહકારિતા યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેગ આપ્યો છે. ગુજરાતમાં શરૂ થયેલું સહકારિતા અંદોલન આજે રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ગયું છે. જેના પરિણામે આવનાર ૧૦૦ વર્ષ દરમિયાન સહકાર ક્ષેત્રે દેશના નાગરિકોનું યોગદાન વધશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત કેન્દ્રીય સહકારિતા મંત્રીએ શ્યામજીકૃષ્ણ વર્માની જન્મ જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમના જીવન પ્રસંગોને વાગોળતા કહ્યું હતું કે, શ્યામજીકૃષ્ણ વર્મા આઝાદીની લડતના એક ઉત્કૃષ્ઠ સ્વાતંત્ર્ય સેનાની અને સાચા દેશભક્ત હતા. તેમણે વિદેશમાં રહીને આઝાદીની ચળવળમાં વિશેષ યોગદાન આપ્યું હતું.
સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, ‘નાના માણસની મોટી બેંક’ના મંત્રને ADCએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. નાના વ્યક્તિએ સહકારી બેંકોના માધ્યમથી દેશના આર્થિક વિકાસમાં મોટું પ્રદાન આપ્યું છે. દેશમાં સહકારી માળખું વેર-વિખેર હતું ત્યારે સહકારી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવા દેશમાં ૭૦ વર્ષથી અલગ સહકારિતા મંત્રાલય સ્થાપવાની માંગ હતી, તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ મંત્રાલય સ્થાપીને પૂર્ણ કરી છે. આ નવીન મંત્રાલય કાર્યરત થવાથી ખેડૂતો-પશુપાલકોના હિતમાં સહકારી ક્ષેત્રે અનેકવિધ નીતિ વિષયક નિર્ણયો કરવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં આવતી અનેક અડચણો આ મંત્રાલય શરૂ થવાથી દૂર થઇ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એક સમયે ખોટ કરતી ADC બેંક આજે સૌથી નફો કરતી સહકારી બેંક બની છે. સેવા સહકારી મંડળીઓ દ્વારા હાલમાં પેટ્રોલ પંપ, ખાતર વેચાણ કેન્દ્રો, સસ્તા અનાજની દૂકાનો, પાર્લર જેવા અનેકવિધ નાના-મોટા વ્યવસાય શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે સહકારી ક્ષેત્ર માટે મોડેલ બાય-લોઝ તૈયાર કર્યા છે જેને તમામ રાજ્યો સ્વીકાર્યા છે. ડિજિટલ યુગમાં બેંકો અને સહકારી સંસ્થાઓ કોમ્પ્યુટરાઈઝ બની છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અંદાજે ૩૦૦ જેટલી યોજનાઓનો સીધો લાભ સહકારી ક્ષેત્રે મળતો થયો છે. પ્રથમવાર પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લાની તમામ સહકારી મંડળીઓના બેંક ખાતા સહકારી બેંકમાં ખોલાવીને દેશને નવો રાહ ચીંધ્યો છે જેનો આજે સમગ્ર દેશમાં અમલ થવા જઈ રહ્યો છે.
ADC બેંકે જ્યારે તેની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે અમદાવાદ-ગાંધીનગરના નાગરિકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણના વિકાસ માટે સેવાનો યજ્ઞ શરૂ કરે જેમાં, જરૂરી મદદ કરવાનું વિશ્વાસ અપાવતા મંત્રીશ્રી શાહે કહ્યું હતું. ADC તમામ સહકારી બેંકોનું ‘તીર્થ સ્થાન’ સાબિત થયું છે. RBIના નિયમ મુજબ પાંચ ટકા NPAની સામે ADC અડધા ટકા કરતાં પણ ઓછો NPA દર ધરાવે છે જે બેંક સંચાલકોની બેંકના થાપણદારો-સભાસદો માટેની નિષ્ઠા-પારદર્શિતા દર્શાવે છે. આપણે ADC બેંકને વધુ પારદર્શક, સહયોગી અને જનસેવા માટેનું આદર્શ મોડલ બનાવું છે તેમ જણાવી સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ બેંકની શતાબ્દી ઉજવણી નિમિત્તે ચેરમેન, વાઈસ ચેરમેન સહિત સૌ હોદ્દેદારો-સભાસદોને શુભેચ્છાઓ પાઠવી હતી.