~વિશ્વ કેન્સર દિવસ: 2026
~મંત્રી દર્શનાબહેન વાઘેલાએ આયુષ્માન કાર્ડ યોજના થકી સામાન્ય માણસને રૂ. 10 લાખ સુધીની મફત સારવારનો લાભ લેવા અનુરોધ કર્યો
~ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ‘કેન્સર હિરોઝ’એ વર્ણવી પોતાના સંઘર્ષની ગાથા
Ahmedabad, Gujarat, Feb 04, વિશ્વ કેન્સર દિવસ 2026ના ઉપલક્ષમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા ગુજરાતમાં અમદાવાદ ના શાહીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ઓડિટોરિયમ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દર્શનાબહેન વાઘેલાની અધ્યક્ષતામાં આજે એક ભવ્ય અને કાર્યક્રમ યોજાયો હતો.
“UNITED BY UNIQUE – કેન્સર હીરોઝ, આપણી વચ્ચે” થીમ આધારિત આ સમારોહમાં કેન્સર સામે ઝઝૂમીને વિજેતા બનેલા 300 જેટલાં ‘કેન્સર હીરોઝ’ અને તેમના પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ કેન્સર સામે જંગ જીતનાર તમામ ‘કેન્સર હીરોઝ’ના મનોબળને બિરદાવતા જણાવ્યું હતું કે મજબૂત ઈચ્છાશક્તિ અને ધીરજ દ્વારા આ ગંભીર બીમારી પર વિજય મેળવી શકાય છે.
મંત્રી દર્શનાબેહેને સિવિલ હોસ્પિટલની સેવાઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આજે આ હોસ્પિટલ મેડિસિટી તરીકે દેશભરમાં ખ્યાતિ પામી છે. તેમણે ડૉ. શશાંક પંડ્યા અને તેમની સમગ્ર ટીમના સમર્પણની નોંધ લેતા જણાવ્યું હતું કે અહીંના તબીબો રાત-દિવસ જોયા વગર દર્દીઓની સેવા કરી રહ્યા છે, જેના કારણે અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં સારવાર માટે આવે છે.
સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા પ્રજાના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરવામાં આવી છે. તેમણે આયુષ્માન કાર્ડની અનિવાર્યતા સમજાવતા કહ્યું હતું કે આ કાર્ડ દ્વારા મળતી ₹10 લાખ સુધીની મફત સારવાર સામાન્ય માણસ માટે ખૂબ મોટો આધાર છે. તેમણે દરેક નાગરિકને પોતાના પરિવાર માટે આ કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો. તેમણે કેન્સરમુક્ત સમાજના નિર્માણ માટે સૌને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉ. રતનકંવર ગઢવીચારણે જણાવ્યું કે, કેન્સર એ માત્ર શારીરિક બીમારી નથી, પણ માનસિક યુદ્ધ પણ છે. હોસ્પિટલના વાતાવરણને સકારાત્મક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, જ્યારે દર્દી સાજો થઈને ઘરે જાય છે ત્યારે હોસ્પિટલની સાચી સફળતા ગણાય છે. તેમણે ડોક્ટરો અને સ્ટાફની મહેનતને બિરદાવી હતી.
GCRIના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ કેન્સર સર્વાઈવર્સને ‘ખરા હીરો’ ગણાવ્યા. તેમણે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને સરકારી સહાય (આયુષ્માન કાર્ડ) વિશે વાત કરી. તેમણે ખાસ નોંધ્યું કે કેન્સરની સારવાર હવે સામાન્ય માણસની પહોંચમાં છે અને યોગ્ય સમયે નિદાન થાય તો જીત ચોક્કસ છે.
આ કાર્યક્રમમાં કેન્સર હીરોઝે પોતાના કેન્સર સામે વિજયી થવાના પ્રેરણાત્મક અને ભાવવિભોર અનુભવો રજૂ કર્યા હતા. આ કેન્સર હિરોઝએ પોતાની સારવાર દરમિયાનના સંઘર્ષ અને તેમાંથી બહાર આવવાની સફર વર્ણવી અન્ય દર્દીઓ માટે નવી આશા જગાવી હતી. સંસ્થા દ્વારા આ તમામ કેન્સર હીરોઝનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ક્ષિતિજભાઈ મદનમોહન, જનરલ સેક્રેટરી, ગુજરાત કેન્સર સોસાયટી, ડૉ. ભરતભાઈ અમીન, મેમ્બર, ગવર્નિંગ બોર્ડ, GCRI, ડૉ. પ્રીતિ સંઘવી, ડેપ્યુટી ડાયરેક્ટર, GCRI અને સિવિલ મેડીસીટીના વિવિધ વિભાગના ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
