Ahmedabad, Oct 03, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને AIA એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા સંચાલિત GTU-AIA સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, જીપેરી, મહેસાણાનો ભૂમિ-પૂજન સમારોહ ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GPERI) ખાતે આજ ના રોજ યોજવામાં આવ્યો હતો.
GTU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે ધાતુશાસ્ત્ર, ઇન્ડક્શન હીટિંગ અને ફાઉન્ડ્રી ટેક્નોલોજીમાં વિશેષ કૌશલ્યોની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે રચાયેલ અત્યાધુનિક સુવિધા તરીકે કેન્દ્રની પરિકલ્પના કરવામાં આવી છે. આ પહેલ દ્વારા, GTU અને AIA એન્જીનીયરીંગ લિમિટેડનો ઉદ્દેશ્ય ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને ફાઉન્ડ્રી ટેક્નોલોજીમાં અત્યાધુનિક સાધનો ઉપર હેન્ડ્સ-ઓન તાલીમ આપી રોજગાર-ક્ષમતા વધારવાનો છે. ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમ, અત્યાધુનિક સાધનો અને નિષ્ણાતોની આગેવાની હેઠળના તાલીમ કાર્યક્રમો GTU-AIA કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુખ્ય વિશેષતાઓ છે.
ચેતન શાહ, બિઝનેસ હેડ, AIA એન્જિનિયરિંગ લિમિટેડ અને જીપેરી કોલેજના આચાર્યશ્રી ડૉ. ચિરાગ વિભાકર, મિકેનિકલ વિભાગના વડા ડૉ. વિવેક પટેલ તથા ફેકલ્ટીઓ દ્વારા મુખ્ય શૈક્ષણિક આગેવાનો, ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ અને જીપેરી કોલેજના સ્ટાફ અને ફેકલ્ટીઓની હાજરીમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન કરવા બદલ જીટીયુના વાઇસ-ચાન્સેલર ડૉ. રાજુલ ગજ્જર, કુલસચિવ ડૉ. કે. એન ખેર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.